ખેલ-જગત
News of Friday, 27th May 2022

વેલડન...ભારતે હોકીમાં યજમાન ઇન્‍ડોનેશિયાને ૧૬-૦ થી કચડયું: પાકિસ્‍તાનને વર્લ્‍ડ કપમાંથી ફેંકી દીધુ

એશિયા કપના સુપર-ફોર રાઉન્‍ડમાં પ્રવેશઃભારતે ૧૫ ગોલના માર્જિનથી જીતવાનું અને ૧૬-૦થી મેળવ્‍યો વિજય : ભારત ૯૪ વર્ષ પહેલાં ૨૬ મેએ હોકીમાં ઓલિમ્‍પિકસનો ગોલ્‍ડમેડલ જીત્‍યો હતો. ગઇ કાલે પણ યોગાનુંયોગ ૨૬ મે હતી

નવી દિલ્‍હીઃ એશિયા કપ હોકીના ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન ભારતે જકાર્તામાં હોકીના મેદાન પર હાહાકાર મચાવ્‍યો હતો. બીરેન્‍દ્ર લાકરાના સુકાનમાં અને સરદાર સિંહના કોચિંગમાં ભારતીય ટીમે યજમાન ઇન્‍ડોનેશિયાને ૧૬-૦થી કચડીને સુપર-ફોર તરીકે જાણીતા નોકઆઉટ રાઉન્‍ડમાં પ્રવેશ કર્યો હતો. ભારતે તાજેતરમાં પુરુષો માટેની બેડ્‍મિન્‍ટનની થોમસ કપ સ્‍પર્ધામાં ઇન્‍ડોનેશિયાને ૩-૦થી પરાસ્‍ત કરીને પહેલા જ ફાઇનલ-પ્રવેશમાં વિજય મેળવી ઐતિહાસિક ટ્રોફી જીતી લીધી હતી. હવે હોકીમાં પણ ભારતે એ દેશ પર સંપૂર્ણ પ્રભુત્‍વ જમાવ્‍યું છે.

ગ્રૃપ‘એ'માંથી ભારતે નોકઆઉટ (સુપર-ફોર)માં પહોંચવા ૧૫-૦થી કે એના કરતા વધુ ગોલના માર્જિનથી જીતવાનું હતું. પરંતુ ભારતે ૧૬-૦થી અભુતપૂર્વ વિજય મેળવ્‍યો છે. આ મેચના થોડા કલાક પહેલાં આ જ ગ્રૃપમાં જપાને પાકિસ્‍તાનને ૩-૨થી હરાવી દેતા પાકિસ્‍તાને ભારતની મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડયું હતું. જપાન ઉપરાંત મલેશિયા અને સાઉથ કોરિયા પણ નોકઆઉટમાં પહોંચી જતાં ચોથા સ્‍થાન માટે ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે હરીફાઇ હતી, પરંતુ ભારતે ઇન્‍ડોનેશિયાને કચડીને પાકિસ્‍તાનને એશિયા કપની મુખ્‍ય  સ્‍પર્ધા ઉપરાંત આગામી વર્લ્‍ડ કપની બહાર ફેકી દીધું છે.

(3:01 pm IST)