ખેલ-જગત
News of Wednesday, 27th March 2019

અશ્વિનને આનો પસ્તાવો થશે

મેં જે જોયુ એના પર મને વિશ્વાસ નથી : મોર્ગન : બટલરને માન્કડીંગથી આઉટ કરનારા પંજાબના કેપ્ટનની થઈ આકરી ટીકા

જયપુરમાં માન્કડિંગ મુજબ ખેલાડીને રનઆઉટ કરનાર પંજાબના કેપ્ટન રવિચન્દ્રન અશ્વિનની ભારે ટીકા કરવામાં આવી રહી છે. આ મેચમાં અશ્વિને રાજસ્થાનના ખેલાડી જોસ બટલરને માન્કડિંગ (બોલર બોલ ફેંકે એ પહેલાં ક્રીઝ છોડનાર બેટ્સમેન)થી રનઆઉટ કરી દીધો હતો. આ પ્રકારે રનઆઉટ ક્રિકેટના નિયમ મુજબ તો માન્ય છે, પરંતુ એનો ઉપયોગ સ્પોટ્સમેનશિપની ભાવના વિરૂદ્ઘ ગણવામાં આવે છે. મેરિલબોન ક્રિકેટ કલબ (MCC) વર્લ્ડ ક્રિકેટ કમિટીના સભ્ય વોર્ને આમ મામલે અશ્વિન સામે કાર્યવાહી કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડને જણાવ્યું છે. અશ્વિનને જોકે આ ઘટના બદલ કોઈ પસ્તાવો નથી.

ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઇન મોર્ગને કહ્યું હતું કે મેં જે જોયું એના પર મને વિશ્વાસ નથી. નવયુવાનો માટે ખોટું દૃષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું છે. અશ્વિનને આનો પસ્તાવો થશે.

બટલરે ૪૩ બોલમાં ૬૯ રન કર્યા હતા. રનઆઉટની ઘટના બાદ તેણે ભારતીય સ્પિનર સાથે મેદાનમાં તૂતૂ-મૈંમૈં પણ કરી હતી. જોકે મેચ પૂરી થયા બાદ અશ્વિને કહ્યું હતું કે અમારા બન્ને વચ્ચે એવી કોઈ ઉગ્ર વાતચીત થઈ નહોતી. મેં આ રીતે તેને આઉટ કરવાનો વિચાર પણ કર્યો નહોતો.

(3:43 pm IST)