ખેલ-જગત
News of Saturday, 27th February 2021

ભારત-ઇંગ્‍લેન્‍ડની ટેસ્‍ટ માટે ભારતને ઝટકોઃ ચોથી ટેસ્‍ટ મેચમાં ન રમવાની જશપ્રીત બુમરાહની વિનંતી ભારતીય ક્રિકેટ કન્‍ટ્રોલ બોર્ડે માન્‍ય રાખી

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 માર્ચથી રમાવાની છે. ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે. પરંતુ ટીમ ઈન્ડિયાને અંતિમ ટેસ્ટ પહેલા એક મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રમવાનો નથી. બુમરાહે બીસીસીઆઈને ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી રિલીઝ કરવાની વિનંતી કરી હતી. બુમરાહની વિનંતી બીસીસીઆઈ સ્વીકાર કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે.

બીસીસીઆઈએ ટ્વીટ કર્યું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટ્વીટ કરીને કહ્યું કે, જસપ્રીત બુમરાહને ભારતીય સ્ક્વોડમાંથી રિલીઝ કરી દેવામાં આવ્યો છે. બુમરાહે અંતગ કારણોને લીધે ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી રિલીઝ કરવાની વિનંતી કરી હતી, જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.

જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. જ્યારે બીજી મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે 227 રનથી જીત મેળવી હતી. ત્યારબાદ ભારતે વાપસી કરતા ચેન્નઈમાં મહેમાન ટીમને 317 રને હરાવી ત્યારબાદ અમદાવાદમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં 10 વિકેટે વિજય મેળવ્યો હતો.

ચોથા ટેસ્ટ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી, રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ, રહાણે, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ. 

(4:40 pm IST)