ખેલ-જગત
News of Thursday, 26th November 2020

મારાડોનાને ગાંગુલી સહિતના ખેલાડીઓએ શ્રદ્ધાંજલિ અર્પી

આર્ન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર મારાડોનાનું નિધન : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકર અને લક્ષ્મણ સહિતના મહાનુભવોએ પણ ફૂટબોલના જાદૂગરને અંજલિ આપી

મુંબઈ, તા. ૨૬ : દિગ્ગજ ફૂટબોલર ડિએગો મારાડોનાના નિધનથી ભારતીય રમત-ગમત સમુદાય પણ શોકમાં ડૂબી ગયું અને સોશિયલ મીડિયા પર આ મહાનાયકને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે તેમણે પોતાના એક નાયકને ગુમાવી દીધો.

બ્રાઝીલના પેલે ની સાથે વિશ્વના મહાન ફૂટબોલરોમાં ગણના થતા મારાડોનાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમના મગજનું ઓપરેશન બે અઠવાડિયા પહેલાં જ થયું હતું.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પ્રમુખ ગાંગુલીએ લખ્યું કે, મારો હીરો હવે રહ્યો નથી. માય મેડ જીનિયસ રેસ્ટ ઇન પીસ. હું તમારા માટે ફૂટબોલ જોતો હતો. ગાંગુલી ૨૦૧૭માં કોલકાતામાં મારાડોનાની સાથે એક ચેરીટી મેચ પણ રમ્યો હતો.

ભારતીય ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ પ્રફુલ પટેલએ ટ્વિટ કર્યું હતું કે આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિએગો મારાડોના ફૂટબોલના મેદાન પર એક જાદુગર જેવા હતા. ફૂટબોલે આજે એક નગીના ગુમાવી દીધો. તેમનું નામ ફૂટબોલના ઇતિહાસમાં હંમેશા માટે યાદ રહેશે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરએ લખ્યું કે, 'ફૂટબોલ અને વર્લ્ડ સ્પોર્ટ એ આજે એક મહાન ખેલાડીમાંથી એકને ગુમાવી દીધો. ભગવાન તમારા આત્માને શાંતિ આપે ડિએગો મારાડોના. તમારી કમી હંમેશા વર્તાશે. સ્ટાઇલિશ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણએ લખ્યું કે, રમતના મહાનાયકોમાંથી એક ડિએગો મારાડોનાનું નિધન થયું. રમતગમતની દુનિયા માટે દુઃખદ દિવસ અને તેમના પરિવાર, મિત્રો અને શુભેચ્છકોના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ભારતના ભૂતપૂર્વ ભારતીય હોકી કેપ્ટન વિરેન રાસકિન્હાએ લખ્યું છે બધી યાદો અને ગાંડપણ બદલ આભાર. ભારતના ભૂતપૂર્વ ફૂટબોલર આઇએમ વિજયને લખ્યું કે ફૂટબોલના ભગવાન, ભગવાન તમારી આત્માને શાંતિ આપે.

(7:44 pm IST)