ખેલ-જગત
News of Thursday, 26th November 2020

ધવન સાથે લોકેશ રાહુલ ઓપનીંગ કરશે : મયંકને તક મળશે?

આવતીકાલે સિડનીમાં ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે : સવારે ૯:૧૦ વાગ્યાથી જીવંત પ્રસારણ : વિરાટ ત્રીજા અને અય્યર ચોથા સ્થાને બેટીંગ કરશે : બુમરાહ - શમી - સૈની - ચહલને બોલીંગની જવાબદારી

નવી દિલ્હી : વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. જયાં બંને દેશો વચ્ચે ત્રણેય ફોર્મેટમાં સીરીઝ રમાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે મેચ આવતીકાલે શુક્રવારે ૨૭ નવેમ્બરે રમાશે.

ભારતીય સમયાનુસાર સવારે ૯ કલાક ૧૦ મિનિટ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સીરીઝનો મુકાબલો શરૂ થશે. જે સીડનીના મેદાન પર રમાશે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી વાઈસ કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં શિખર ધવન અને મયંક અગ્રવાલની ઓપનીંગ જોડીની સાથે ઉતરી શકે છે. તો કે.એલ. રાહુલ વિકેટ કીપર તરીકે ઉતરશે. કારણ કે આ ટીમમાં રીષભ પંત નથી. કેપ્ટન કોહલી નંબર ત્રણ પર બેટીંગ કરશે. તો ચોથા સ્થાનની જવાબદારી શ્રેયસ અય્યર સંભાળશે. છઠ્ઠા સ્થાને હાર્દિક પંડ્યાને તક મળી શકે છે. પરંતુ હાર્દિક બોલીંગ કરશે નહિં. બોલીંગ વિભાગમાં કોહલી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને જશપ્રીત બુમરાહની સાથે મેદાન પર ઉતરી શકે છે.

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન : એરોન ફીન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશાને, એલેકસ કેરી (વિકેટકીપર), માર્કસ સ્ટોયનીસ, ગ્લેન મેકસવેલ, પેટ કમીન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવૂડ.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : શિખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ, (વિ.કિ.), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, નવદીપ સૈની, યુજવેન્દ્ર ચહલ અને જશપ્રીત બુમરાહ.

(11:29 am IST)