ખેલ-જગત
News of Sunday, 26th September 2021

સાનિયા મિર્ઝા અને શુઈ ઝાંગે ઓસ્ટ્રાવા ઓપનમાં વિમેન્સ ડબલ્સ ટાઈટલ જીત્યું

ઈન્ડો-ચીની જોડીએ કાઈટલીન ક્રિસ્ટીન અને એરિન રોઉટલિફને સીધા સેટોમાં ૬-૩, ૬-૨થી હરાવી : સાનિયા મિર્ઝાએ આ સાથે સિઝનનું સૌપ્રથમ ટાઈટલ મેળવ્યું

ઓસ્ટ્રાવા : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેની ચાઈનીઝ જોડીદાર શુઈ ઝાંગે ચેક રિપબ્લિકમાં યોજાયેલી ઓસ્ટ્રાવા ઓપનમાં વિમેન્સ ડબલ્સ ટાઈટલ જીતી લીધું હતુ. ઈન્ડો-ચીની જોડીએ કાઈટલીન ક્રિસ્ટીન અને એરિન રોઉટલિફને સીધા સેટોમાં ૬-૩, ૬-૨થી હરાવી હતી. સાનિયા મિર્ઝાએ આ સાથે સિઝનનું સૌપ્રથમ ટાઈટલ મેળવ્યું હતુ.

સાનિયા અને ઝાંગની જોડીને સેકન્ડ સીડ આપવામાં આવ્યો હતો. જ્યારે તેની સામેની ત્રીજો સીડ ધરાવતી અમેરિકન-ન્યૂઝિલેન્ડરની જોડી રનર્સઅપ બની હતી. ફાઈનલ મુકાબલામાં ઈન્ડો-ચીની જોડી એક કલાક અને ચાર મિનિટના મુકાબલાના અંતે વિજેતા બની હતી.

૩૪ વર્ષીય સાનિયા અને ઝાંગની જોડીએ અગાઉ સેમિ ફાઈનલમાં જાપાનની હોઝુમી અને નિનોમિયાની જોડીને ૬-૨, ૭-૫થી પરાસ્ત કરી હતી. ઓસ્ટ્રાવા ઓપન ડબલ્યુટીએ ૫૦૦ ઈવેન્ટ હતી. સાનિયા આ સિઝનમાં બીજી વખત ફાઈનલમાં પ્રવેશતા પ્રથમ ટાઈટલ જીતી હતી. અગાઉ તે ક્રિસ્ટીન મેક્હલની સાથે ક્લેવલેન્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી હતી. જ્યાં તેનો જાપાનની ટોપ સીડ ધરાવતી ઓયામા અને શિબાહારા સામે પરાજય થયો હતો.

(11:27 pm IST)