ખેલ-જગત
News of Sunday, 26th September 2021

હાર્દિક અનફિટ થાય તો શાર્દુલ ઠાકુરને ફાયદો થઈ શકે છે

ટી૨૦ વિશ્વકપ યૂએઈ અને ઓમાનમાં રમાશે : કેપ્ટન વિરાટ કોહલીની ટીમ ૨૪ ઓક્ટોબરે દુબઈમાં પાકિસ્તાન સામે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે

નવી દિલ્હી, તા.૨૬ : ટી૨૦ વિશ્વકપ ૨૦૨૧ આગામી મહિનાથી યૂએઈ અને ઓમાનમાં રમાશે. આ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા એક દાવેદારના રૂપમાં મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલીની ટીમ ૨૪ ઓક્ટોબરે દુબઈમાં પાકિસ્તાન સામે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. પરંતુ આ ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાની સામે એક મોટી મુશ્કેલી આવી છે. હાર્દિક પંડ્યાની ફિટનેસ પર સવાલ ઉઠી રહ્યા છે. પરંતુ આ સમાચાર બધા માટે એટલા ખરાબ નથી.

હાર્દિક પંડ્યાની ફિટનેસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આઈપીએલમાં તે પ્રથમ બે મેચ રમ્યો નથી. તેવામાં ટી૨૦ વિશ્વકપમાં હાર્દિક કેટલો ફિટ હશે તે મોટો સવાલ છે. પરંતુ હાર્દિક અનફિટ થાય તો શાર્દુલ ઠાકુરને ફાયદો થઈ શકે છે. શાર્દુલ હાલ શાનદાર ફોર્મમાં છે અને તે ઓલરાઉન્ડર છે. શાર્દુલને વિશ્વકપ માટે જાહેર કરાયેલી ૧૫ સભ્યોની ટીમમાં સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.

પરંતુ હાર્દિક પંડ્યા જો ફિટ નહીં હોય તો તેના સ્થાને શાર્દુલને તક મળી શકે છે. શાર્દુલે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં પણ બે મેચ રમી હતી. તેણે બે અડધી સદી સાથે કુલ ૧૧૭ રન બનાવ્યા હતા. આ સિરીઝમાં શાર્દુલના રનની સંખ્યા રહાણેના રનથી પણ વધુ છે. રહાણેએ ૧૦૯ રન બનાવ્યા હતા.

બોલિંગની વાત કરીએ તો શાર્દુલ ઠાકુરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝમાં ૪ ઈનિંગમાં ૨૨ની એવરેજથી સાત વિકેટ ઝડપી હતી. શાર્દુલ એક ઓલરાઉન્ડર તરીકે છેલ્લા કેટલાક સમયથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તે આઈપીએલમાં પણ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે.

ટીમ ઈન્ડિયા માટે મહત્વનો ખેલાડી હાર્દિક પંડ્યા હાલમાં ફિટ નથી. છેલ્લા ઘણા સમયથી તેની ફિટનેસને લઈને સતત સવાલ ઉઠી રહ્યા છે. હાર્દિક પંડ્યા યૂએઈમાં શરૂ થયેલી આઈપીએલમાં પ્રથમ બે મેચ રમ્યો નથી. મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ પણ હાર્દિકની વાપસીની આશા કરી રહ્યા છે. હાર્દિકને શું સમસ્યા છે તેની કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી સામે આવી નથી.

ભારતના પૂર્વ ક્રિકેટર સબા કરીમે આગામી મહિને યૂએઈ અને ઓમાનમાં શરૂ થનાર ટી૨૦ વિશ્વકપ માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ પર સવાલ હોવા છતાં તેને ભારતીય ટીમમાં સામેલ કરવા પર સવાલ ઉઠાવ્યા છે.

(7:15 pm IST)