ખેલ-જગત
News of Friday, 26th April 2019

આઇપીએલમાં પહેલી સિઝન રમી રહેલા રિયાન પરાગે મહેન્‍દ્રસિંહ ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ ફટકાર્યા

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કોલકાતા અને રાજસ્થાન વચ્ચે થયેલી મેચમાં પોતાની પહેલી સિઝન રમી રહેલા રિયાન પરાગે શાનદાર બેટિંગ કરી. 17 વર્ષનાં રિયાન પરાગે ગુરૂવારે કોલકાતાની વિરુદ્ધ 47 રનની ખુબ જ મહત્વની રમત રમીને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ને જરૂરી જીત પ્રાપ્ત કરાવી. રાજસ્થાનની આઇપીએલ 12માં 11મી મેચ ચોથી જીત છે.  આ રમતની 10મી ઓવરમાં તેણે શાનદાર હેલિકોપ્ટર શોટ મારીને એમએસ ધોનીની યાદ દેવડાવી હતી.

176 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત તો સારી રહી પણ બાદમાં તેણે ઝડપથી વિકેટો ગુમાવી દીધી. એક સમયે તેનો સ્કોર 5 વિકેટે 98 રન હતો અને હાર નિશ્ચિત લાગતી હતી. આવામાં રિયાન પરાગે પોતાની છાપ છોડતી એક જબરદસ્ત ઈનિંગ્સ રમી. તેણે 31 બોલમાં 47 રનની ઈનિંગ્સ રમી રાજસ્થાને જીત સુધી પહોંચાડી દીધી. જોકે, અંતમાં આઉટ થયો ત્યારે ફરી પલ્લુ KKR તરફ નમી ગયું પણ આખરે જ્યોફ્રા આર્ચરે એક તોફાની ઈનિંગ રમી ટીમને જીત અપાવી દીધી.

રિયાને આ મેચમાં સંવેદનશીલ ઇનિંગ રમી. પહેલાં બેન સ્ટોક્સ અને પછી 13મી ઓવરમાં બિન્નીના આઉટ થયા પછી રિયાન પર જવાબદારી આવી ગઈ. શ્રેયસ ગોપાલ જ્યારે ફાસ્ટ શોટ રમી રહ્યો હતો ત્યારે રિયાન ગોપાલ સ્ટ્રાઇલ પર હતો. 16મી ઓવરમાં ગોપાલના આઉટ થયા પછી રિયાને શોટ્સ રમવાનું શરૂ કર્યું અને આઉટ થતા પહેલાં જ્યોફ્રા આર્ચર સાથે મળીને ટીમને જીતના દરવાજે લાવી દીધી.

 

(4:46 pm IST)