ખેલ-જગત
News of Friday, 26th February 2021

‘બાપુ તારી બોલિંગ કમાલ છે’ : કોહલીએ ગુજરાતીમાં અક્ષર પટેલની કરી પ્રશંસા

વિરાટ કોહલીને ગુજરાતીમાં બોલતો જોઇ હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ ચોકી ગયા

અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે સારૂ પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ભારતે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે. અક્ષર પટેલે 11 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ બાદ હાર્દિક પંડ્યાએ સ્પિનર અક્ષર પટેલનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. આ વચ્ચે કેપ્ટન વિરાટ કોહલી આવ્યો અને માઇક લઇને ગુજરાતીમાં સ્પિનર અક્ષર પટેલની પ્રશંસા કરવા લાગ્યો હતો.

  વિરાટ કોહલીને ગુજરાતીમાં બોલતો જોઇ હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ ચોકી ગયા હતા અને હસવા લાગ્યા હતા. વિરાટ કોહલી પણ ગુજરાતીમાં વાત કરીને ખુશ જોવા મળતો હતો. બીસીસીઆઇએ કેપ્ટન વિરાટ કોહલીના આ અંદાજનો વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વિરાટ કોહલી કહી રહ્યો છે કે, બાપુ તારી બોલિંગ કમાલ છે. વિરાટ કોહલીએ ગુજરાતીમાં બોલ્યા બાદ હાર્દિક પંડ્યાએ પણ મજા લીધી હતી અને કહ્યુ કે કોહલી નવુ નવુ ગુજરાતી શીખ્યો છે

  અમદાવાદમાં ટેસ્ટ મેચ 2 દિવસમાં જ પૂર્ણ થઇ ગયા બાદ પિચને લઇને પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર ચોકી ગયા હતા અને ટ્વીટ કરીને અમદાવાદની પિચની ટિકા કરી હતી. બીજી તરફ ભારતના યુવરાજ સિંહે પણ ટ્વિટ કરી હતી અને પિચ પર નિશાન સાધ્યુ હતું.

(2:12 pm IST)