ખેલ-જગત
News of Friday, 26th February 2021

અમદાવાદ ટેસ્ટમેચ બે દિવસમાં પુરી : છેલ્લા ત્રણ દિવસ માટે ટિકિટ લેનારાઓ પ્રેક્ષકો હવે રિફંડને લઈને ચિંતાતુર

ત્રીજા દિવસની 18 હજાર ટિકિટ ખરીદનારા ક્રિકેટ પ્રેમીને રિફંડ અંગે આજે નિર્ણય લેવાઈ શકે

અમદાવાદ: શહેરના નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ બે દિવસમાં જ પૂરી થઈ ગઈ છે. આથી છેલ્લા 3 દિવસ ટેસ્ટ ક્રિકેટ નિહાળવા માટે ટિકિટ લેનારા પ્રેક્ષકો રિફંડને લઈને ચિંતિત જણાઈ રહ્યાં છે

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બુધવારે શરૂ થઈ હતી. જેને નિહાળવા માટે શહેરના અનેક ક્રિકેટ પ્રેમીઓએ અગાઉથી ટિકિટો બુક કરાવીને રાખી હતી. જો કે આ ટેસ્ટમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન રહેતા મેચનું પરિણામ બીજા દિવસે જ જાહેર થઈ ગયું છે. એવામાં ક્રિકેટ પ્રેમીઓને એક પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે, છેલ્લા 3 દિવસની મેચ નિહાળવા માટે ટિકિટના ચૂકવેલા નાણાંનું રિફંડ મળશે કે કેમ?

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ટેસ્ટ મેચ માટે ત્રીજા દિવસની 18 હજાર ટિકિટ ખરીદનારા ક્રિકેટ પ્રેમીને રિફંડ અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે. જેની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા થવા જાય છે

નિયમ મુજબ એકેય બોલ ના રમાયો હોય, તો જ ટિકિટના પૈસા રિફંડ મળે છે. કેટલાક એસોસિએશન રિફંડ આપવાની જગ્યાએ પ્રેક્ષકોને આગામી મેચની ટિકિટ પણ આપતા હોય છે. જો કે ટેસ્ટ ક્રિકેટની ઓનલાઈન વેચાણ કરતી વેબસાઈટ્સના જણાવ્યા મુજબ, રિફંડ અંગે અમારી ટીમ સાથે ચર્ચા કરી રહ્યાં છે. અમે ઓનલાઈન ટિકિટ ખરીદી પર નિર્ણય લઈશું, તો SMS દ્વારા જાણ કરવામાં આવશે

(1:26 pm IST)