ખેલ-જગત
News of Wednesday, 25th November 2020

નવી જર્સી...નવો ઉત્સાહ...અમે તૈયારઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની નવી જર્સી લોન્ચઃ શિખર ધવને ફોટો સોશ્યલ મિડીયામાં શેર કર્યો

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને નવી જર્સી મળી ગઈ છે. ટીમના ઓપનર શિખર ધવને ટ્વિટર પર નવી જર્સીમાં તસવીર શેર કરી છે. તેણે લખ્યુ- નવી જર્સી, નવો ઉત્સાહ.. અમે તૈયાર. આ જર્સી 80ના દાયકા જેવી છે. 

ભારતીય ટીમ આ જર્સીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઉતરશે. ભારતીય ટીમની જર્સીનો રંગ નેવી બ્લૂ છે અને તેનું લોઅર પણ આ રંગનું હશે. ભારતીય ટીમ આ રંગની જર્સી 80ના દાયકામાં પહેરતી હતી. 1992 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયા આ પ્રકારની જર્સીમાં જોવા મળી હતી. 

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાને નવો કિટ સ્પોન્સર હાલમાં મળ્યો છે. ટીમ ઈન્ડિયાના કિટ સ્પોન્સર હવે ઓનલાઇન ગેમ કંપની  MPL છે, જેનો જર્સી પર લોગો પણ છે. આ પહેલા ટીમ ઈન્ડિયાનું કિટ સ્પોન્સર નાઇકી હતી. MPL દરેક મેચ માટે બીસીસીઆઈને 65 લાખ રૂપિયા આપશે. 

વનડે સિરીઝની વાત કરીએ તો પ્રથમ મેચ 27 નવેમ્બરે રમાશે. બીજી વનડે 29 નવેમ્બર અને ત્રીજી 2 ડિસેમ્બરે રમાશે. ત્યારબાદ 4 ડિસેમ્બરે પ્રથમ ટી20, 6 ડિસેમ્બરે બીજી અને 8 ડિસેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યારબાદ 17 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થશે. પ્રથમ ટેસ્ટ ડે-નાઇટ હશે જે એડિલેડમાં રમાશે. બીજી ટેસ્ટ 26 ડિસેમ્બર, ત્રીજી ટેસ્ટ 7 જાન્યુારી અને ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીએ શરૂ થશે. 

(5:15 pm IST)