ખેલ-જગત
News of Monday, 25th June 2018

ઉલાનબાતર કપની સેમીફાઈનલમાં ભારતના ત્રણ બોક્સરોએ સ્થાન મેળવ્યું

નવી દિલ્હી: શિવા થાપા (૬૦ કિલોગ્રામ), મંદીપ ઝાંગડા (૬૯ કિલોગ્રામ) અને બે અન્ય યુવા બોક્સરો ઉલાનબાતર કપની સેમીફાઈનલમાં પહોંચ્યા છે. બોક્સરોના સેમીફાઈનલમાં પહોંચતાની સાથે ભારત માટે મેડલ પાકા થઈ ગયા છે. શિવા અને મનદીપ ઉપરાંત પોતાનુ ડેબ્યુ કરી રહેલ વાનલીમ્પુઈયા (૭૫ કિલોગ્રામ) અને એતાશ ખાને (૫૬ કિલોગ્રામ) વર્ગમાં સેમીફાઈનલમાં પહોંચીને પોતાનો મેડલ પાકો કરી લીધો છે. વર્લ્ડ ચેમ્પિયનમાં બ્રોન્ઝ મેડલ જીતી ચુકેલ શિવા થાપાએ કિર્ગિસ્તાનના રાવશેનબેકને ક્વાર્ટર ફાઈનલ મેચમાં હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે, જ્યાં હવે તેની ટક્કર સ્થાનિક બોક્સર બટ્ટુમુર મિશિલ્ટ સામે થશે. કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ચુકેલ મંદીપે મંગોલિયાના બાથુયગ સુખુયગને ક્વાર્ટર ફાઈનલમાં હરાવીને સેમીફાઈનલમાં પોતાનુ સ્થાન પાકુ કર્યુ છે. જ્યારે પોતાની પ્રથમ ટૂર્નામેન્ટ રમી રહેલ વાનલીમ્પુઈયાએ કોરીયાના સોંગ મ્યોંગ સુને હરાવ્યો હતો. જોકે પૂર્વ વર્લ્ડ અને એશિયન ગેમ્સ ચેમ્પિયન અનુભવી સરીતા દેવી (૬૦ કિલોગ્રામ) ચીની તાઈપેની શિહ યુ વુ સામે હારનો સામનો કરવો પડયો છે. પુરુષ વર્ગમાં સલમાન શેખે સ્થાનિક ખેલાડી ગાંખુયગ ગેન સામે હારનો સામનો કરવો પડયો છે. પહેલા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ચુકેલ સોનિયા લાથર (૫૭ કિલોગ્રામ), લવલિના બોરગોહેન (૬૯ કિલોગ્રામ), હિમાંશુ શર્મા (૪૯ કિલોગ્રામ) અને આશિષ (૬૪ કિલોગ્રામ) વર્ગની સેમીફાઈનલમાં પહોંચીને ભારત માટે ચાર મેડલ પાકા કરી ચુક્યા હતા.
 

(6:56 pm IST)