ખેલ-જગત
News of Monday, 25th June 2018

અમેરિકામાં આયોજીત વર્લ્ડકપના ત્રીજા ફેઝમાં ભારતીય તીરંદાજ દીપિકા કુમારીને ગોલ્ડઃ જર્મનીની મિશેલ ક્રોપેનને હરાવીને ૬ વર્ષ પછી વર્લ્ડકપમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ અમેરિકાના સૉલ્ટ લેક સિટીમાં ભારતની તીરંદાજ દીપિકા કુમારીએ રવિવારના રોજ વર્લ્ડ કપના ત્રીજા ફેઝમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. દીપિકાએ ફાઈનલમાં જર્મનીની મિશેલ ક્રોપેનને 7-3થી હરાવી અને 6 વર્ષ પછી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

વર્લ્ડ કપ ફાઈનલમાં 4 વાર બ્રોન્ઝ મેડલ જીતનાર દીપિકાએ આ જીતથી તુર્કીના સૈમસનમાં થનારી તીરંદાજી વર્લ્ડ કપ ફાઈનલ માટે ક્વૉલિફાઈ કર્યું છે. દીપિકાએ આ પહેલા અંતાલ્યામાં 2012માં મેડલ જીત્યો હતો.

દીપિકા કહે છે કે, જ્યારે મેં આ મેડલ જીત્યો તો મેં કહ્યું કે, આખરે હું સફળ થઈ. દીપિકાએ 30માંથી 29 સ્કોર કરીને શરુઆત કરી અને 2-0થી આગળ વધી. જર્મન પ્લેયરે ત્રીજો સેટ જીતીને મેચ 3-3થી બરાબર કરી.

દીપિકાએ ત્યારપથી 29 અને 27ના સ્કોર સાથે ચોથો અને પાંચમો સેટ જીત્યો. આ દરમિયાન ક્રોપોનનો સ્કોર 26 રહ્યો. આ રીતે દીપિકાએ 7-3થી મેચ પોતાના નામે કરી. કીપિકા કહે છે કે, હું મનમાં રીપિટ કરી રહી હતી કે પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપવાનું છે. ગેમની મજા લે અને હાર-જીત ભુલી જાઓ.

(6:09 pm IST)