ખેલ-જગત
News of Thursday, 25th April 2019

સિંધુ અને સાઈનાનો એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં પ્રવેશ

નવી દિલ્હી: ટોચની ભારતીય શટલર પીવી સિંધુ તથા સાઇના નેહવાલે બુધવારે વિજય હાંસલ કરીને એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ઓલિમ્પિક તથા વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડાલિસ્ટ સિંધૂએ જાપાનની તાકાહાશી સયાકાને સીધી ગેમમાં હરાવી હતી. સિંધુએ મુકાબલાની શરૂઆતથી જ દબદબો જાળવ્યો હતો અને તેણે માત્ર ૨૮ મિનિટમાં ૨૧-૧૪, ૨૧-૭થી વિજય મેળવી લીધો હતો. ચોથો ક્રમાંક ધરાવતી સિંધુનો આગામી મુકાબલો ઇન્ડોનેશિયાની ચોઇરુનિસા સામે થશે. વિશ્વની નવમી ક્રમાંકિત સાઇનાને ચીનની હાન યુએને હરાવવા માટે ભારે મહેનત કરવી પડી હતી. સાતમી ક્રમાંકિત ભારતીય ખેલાડીએ પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ વળતો પ્રહાર કરીને ૧૨-૨૧, ૨૧-૧૧, ૨૧-૧૭થી રોમાંચક વિજય મેળવ્યો હતો. લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડાલિસ્ટનો આગામી મુકાબલો સાઉથ કોરિયાની કિમ ગા સુન સામે થશે.મેન્સ સિંગલ્સમાં સમીર વર્માએ જાપાનના સકાઇ કાજુમાસા સામેના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૨૧-૧૩, ૧૭-૨૧, ૨૧-૧૮થી વિજય મેળવ્યો હતો. વિશ્વનો ૧૫મા ક્રમાંકિત સમીર હવે હોંગકોંગના નિગ કા લોંગ એન્ગુસ સામે ટકરાશે. મેન્સ ડબલ્સમાં એમઆર અર્જુન અને રામચંદ્રન શ્લોકનો પરાજય થતાં તેમનું અભિયાન પૂરું થઇ ગયું હતું. વિમેન્સ ડબલ્સમાં મેઘના જાકામપુડી તથા ર્પૂિવશા એસ રામની જોડી થાઇલેન્ડની જોંગકોલફાન તથા રાવિન્ડા પ્રજોંગજાઇની જોડી સામે ૨૧-૧૩, ૨૧-૧૬થી પરાજિત થઇ હતી.

(5:38 pm IST)