ખેલ-જગત
News of Thursday, 25th February 2021

શુભમન ગિલના કેચના નિર્ણય ઉપર ઈંગ્લેન્ડની ટીમ નારાજ

ત્રીજી ટેસ્ટમાં અમ્પાયરના નિર્ણય પર વિવાદ : ભારતીય દાવની બીજી ઓવરમાં ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ ગિલને સોફ્ટ સિગ્નલ અંતર્ગત આઉટ આપ્યો

અમદાવાદ, તા. ૨૫ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીવી અમ્પાયરો ફરી વિવાદમાં છે. પહેલા ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ ટીવી અમ્પાયરના ઘણા નિર્ણયો પર વિવાદ થયો હતો. ભારતીય ઈનિંગ્સની બીજી ઓવરમાં ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ શુભમન ગિલને સોફ્ટ સિગ્નલ અંતર્ગત આઉટ આપ્યો, પરંતુ ટીવી અમ્પાયરે રિપ્લે જોયા બાદ ફીલ્ડ અમ્પાયરના નિર્ણયને બદલી નાખ્યો. જોકે ટીવી અમ્પાયરે શમ્સુદ્દીને એક ફ્રેમ જોઈને પોતાનો નિર્ણય આપી દીધો. પરંતુ સોફ્ટ સિગ્નલ નિયમ અનુસાર ફીલ્ડ અમ્પાયરના નિર્ણયને બદલવા માટે ચોક્કસ પૂરાવા હોવા જોઈએ. ટીવી અમ્પાયરના નિર્ણય બાદ ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જો રૂ સહિત તમામ ખેલાડીઓએ નારાજગી વ્યક્ત કરી.

ભારતીય ઈનિંગ્સની બીજી ઓવરમાં બ્રોડની ચોથી ઓવરમાં ગિલનો કેચ સ્લિપમાં સ્ટોક્સે પકડ્યો. અમ્પાયરોએ તેને આઉટ આપ્યો. પરંતુ સ્ટોક્સે કેચ પકડ્યો છે કે નહીં તે વિશે અમ્પાયરો સુનિશ્ચિત નહોતા. એવામાં ફીલ્ડ અમ્પાયરે અંતિમ નિર્ણય માટે ટીવી અમ્પાયરની મદદ લીધી. ટીવી રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે સ્ટોક્સે જ્યારે કેચ પકડ્યો ત્યારે તેના હાથ બોલની નીચે નહોતા. પરંતુ નિયમ અનુસાર ટીવી અમ્પાયરે અલગ-અલગ એંગલથી તેને જોવો જોઈતો હતો. પહેલા ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયાના માઈકલ સ્લેટરે પણ રાહુલ દ્રવિડના કેચને લઈને ટીવી અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી.

એક રિપોર્ટ મુજબ, ઈંગ્લેન્ડની ટીમના પ્રવક્તાએ કહ્યું, ટીમના કેપ્ટન અને મુખ્ય કોચે મેચ રેફરીને વાત કરી છે. કેપ્ટન અને મુખ્ય અમ્પાયરો સામે આવનારા પડકારોને સ્વીકાર્યો. તેમણે મેચ રેફરીને કહ્યું કે, ત્રીજા અમ્પાયરના નિર્ણયમા એક રૂપતા હોવી જોઈએ. મેચ રેફરીએ કહ્યું કે કેપ્ટને અમ્પાયરોને યોગ્ય સવાલ પૂછ્યા હતા.

મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે કહ્યું કે, તેમની પાસે યોગ્ય પૂરાવા નથી કે તેમણે કેચ યોગ્ય રીતે પકડ્યો છે. જો કોઈને ચર્ચા કરવી હોય તો પછીથી આવીને મને મળી શકે છે. જોકે પૂર્વ ખેલાડી સંજય માંજરેકરે ટીવી અમ્પાયરના જલ્દી નિર્ણય પર સવાલ ઉઠાવ્યો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ટીવી અમ્પાયરે નિર્ણય આપવામાં ઉતાવળ દર્શાવી. જોકે નિર્ણય સાચો હતો. પરંતુ ખેલાડીઓની જેમ ડીઆરએસ માટે સમય મર્યાદા હોય છે, અમ્પાયર માટે સમય મહત્વનો નથી. તેમણે સમય લેવો જોઈતો હતો.

(9:13 pm IST)