ખેલ-જગત
News of Thursday, 25th February 2021

અમદાવાદમાં અશ્વિને રચ્યો ઈતિહાસ : સૌથી ઝડપી 400 વિકેટ લેનાર ભારતીય ખેલાડી બન્યો

અશ્વિન પહેલા અનિલ કુંબલે, કપિલ દેવ અને હરભજન સિંહે 400 વિકેટ ઝડપી છે

અમદાવાદ :ટીમ ઈન્ડિયાનાં સ્ટાર બોલર આર અશ્વિને અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇતિહાસ રચ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચનાં બીજા દિવસે ઈંગ્લેન્ડની બીજી ઈનિગ્સમાં જોફ્રા આર્ચરને આઉટ કરતા જ અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટને સ્પર્શ કર્યો હતો. અશ્વિન સૌથી ઝડપી 400 ટેસ્ટ વિકેટ લેવાની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. આ સાથે જ હવે ભારત તરફથી ઝડપી 400 વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેના નામે નોંધાઈ ગયો છે.

અશ્વિન ભારત તરફથી 400 કે તેથી વધુ વિકેટ લેનાર ચોથો બોલર બની ગયો છે. અશ્વિન પહેલા અનિલ કુંબલે, કપિલ દેવ અને હરભજન સિંહે આ પદ પ્રાપ્ત કરી ચુક્યો છે. સૌથી ઝડપી 400 ટેસ્ટ વિકેટનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાનાં ભૂતપૂર્વ સ્પિનર મુથિયા મુરલીધરનનાં નામે નોંધાયો છે. અશ્વિને પ્રથમ દાવમાં ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગમાં તેણે ચાર વિકેટ ઝડપી હતી. અશ્વિને નાથન લિયોનને પણ પાછળ છોડી દીધો છે, જેની પાસે હાલમાં ખાતામાં 399 ટેસ્ટ વિકેટ છે. અશ્વિને હવે તેના ખાતામાં 401 ટેસ્ટ વિકેટ ઉમેરી લીધી છે. તેણે 77 ટેસ્ટમાં 53 ની સ્ટ્રાઇક રેટ અને 24.95 ની સરેરાશથી 401 વિકેટ ઝડપી છે. મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 112 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઇન્ડિયા 145 રનમાં આઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 81 રન બનાવી શક્યું હતું

(9:09 pm IST)