ખેલ-જગત
News of Friday, 24th September 2021

ક્રિકેટ-કાયદામાં મોટો ફેરફારઃ ‘બેટ્‍સમેન' નહીં, ‘બેટર' કહેવાનું

લંડન,તા.૨૪: મેરીલબોન ક્રિકેટ કલબ (એમસીસી)એ લિંગ અસમાનતાનો અંત લાવવા ક્રિકેટના કાયદામાં એક ધરખમ ફેરફાર કર્યો છે. અને ‘બેટ્‍સમેન' શબ્‍દને બદલે ‘બેટર' શબ્‍દ અપનાવ્‍યો છે. ક્રિકેટની રમતમાં પુરૂષ અને મહિલા, બંને જાતિના ખેલાડીઓ બેટિંગ કરતા હોય છે. અને હવેથી બંને માટે સમાન ‘બેટર' શબ્‍દ જ વપરાશે. ‘બેટ્‍સમેન' કે ‘બેટ્‍સવુમન' નહીં
લંડનમાં લોર્ડ્‍સ મેદાનની માલિકી ધરાવતા એમસીસી સંસ્‍થા ક્રિકેટના કાયદાઓ પર એક માત્ર સત્તાધીશ સંસ્‍થા છે. સમાવેશિતાનો વ્‍યાપ વધારવા માટે એણે પોતાની શબ્‍દાવલીમાં આ મહત્‍વનું અપડેટ કરવાનો નિર્ણય લીધો છે. ‘બેટ્‍સમેન' શબ્‍દને બદલે પુરૂષ અને મહિલા, બંને ક્રિકેટરો માટે ‘બેટર' શબ્‍દ વાપરવાનું સૂચન ૨૦૧૭માં કરવામાં આવ્‍યું હતું. પરંતુ એ વખતે કોઇ ફેરફાર ન કરવાનું નક્કી કરાયું હતું. એમસીસીના સહાયક સેક્રેટરી જેમી કોકસે કહ્યું છે કે, ‘ક્રિકેટની રમત સૌને માટે છે એવુ એમસીસી માને છે અને તેનો આ નિર્ણય આધુનિક યુગમાં ક્રિકેટના બદલતા પરિવેશનને સ્‍વીકૃતિ આપે છે.'

 

(10:27 am IST)