ખેલ-જગત
News of Sunday, 24th June 2018

ક્રૂઝ મેજિક : છેલ્લી ઘડીએ ગોલથી ટીમને જીત અપાવી

અંતિમ ૧૬માં પહોંચવાની આશા જર્મનીની જીવંત : વર્તમાન ચેમ્પિયન જર્મની ઉપર પ્રથમ રાઉન્ડમાં જ ફેંકાઈ જવાનું સંકટ હતું : સ્વિડન પર જીત : બેલ્જિયમનો વિજય

મોસ્કો, તા. ૨૪ : ફિફા વર્લ્ડકપમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. ટોની ક્રૂઝના ક્લાસિક ગોલની મદદથી નિર્ણાયક સમયમાં જીત મેળવીને જર્મનીએ અંતિમ ૧૬માં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી હતી. હારથી નિરાશ થયેલા સ્વિડનના કોચ એન્ડરસને જર્મનીના છેલ્લી ઘડીમાં કરવામાં આવેલા ગોલ બાદ જે રીતે ઉજવણી કરવામાં આવી તેને લઇને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વર્તમાન ચેમ્પિયન જર્મનીએ જોરદાર ઉજવણી કરી હતી. સ્ટોપેજ ટાઇમમાં ટોની ક્રૂઝે ગોલ ફટકારાર્યો હતો. આ જીત બાદ જર્મની અંતિમ ૧૬માં પહોંચવા માટે આશાવાદી છે. જ્યારે અન્ય એક મેચમાં મેક્સિકોએ દક્ષિણ કોરિયા ઉપર ૨-૧થી જીત મેળવી હતી. મેક્સિકો સામે પ્રથમ મેચ હારી ગયા બાદ જર્મનીએ જોરદાર રમત રમી હતી અને છેલ્લી ઘડીમાં જીત મેળવીને પોતાની પ્રતિષ્ઠા બચાવી હતી. છેલ્લા ૮૦ વર્ષમાં પ્રથમ વખત પ્રથમ રાઉન્ડમાં જ બહાર નિકળી જવાનો ખતરો જર્મનીની ટીમ ઉપર તોળાઈ રહ્યો હતો પરંતુ ટોની ક્રૂઝે પોતાની ક્લાસ દર્શાવીને સાબિતી આપી હતી કે, જર્મની શા માટે નંબર વન ટીમ તરીકે છે. જ્યારે મેક્સિકોએ દક્ષિણ કોરિયા સામે જીત મેળવીને હવે ૬ પોઇન્ટ કરી લીધા છે અને તે પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાન ઉપર છે. બેલ્જિયમે આક્રમક રમત રમીને ટ્યુનિશિયા પર ૫-૨થી જીત મેળવી હતી. ફિફા વર્લ્ડકપની શરૂઆતી મેચોમાં કેટલાક ઉલટફેર જોવા મળી રહ્યા છે. પ્રથમ વખત રમી રહેલી ટીમોનો દેખાવ જોરદાર રહ્યો છે. મોટી ટીમના ખેલાડી પણ નવર્સ દેખાઈ રહ્યા છે. યજમાન રશિયાની ચમત્કારિક રમત જોવા મળી રહી છે. રોનાલ્ડોમાં ફોર્મમાં દેખાઈ રહ્યો છે જ્યારે મેસ્સી ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. આ વર્લ્ડકપમાં રમાયેલી હજુ સુધીની ૨૭ મેચોમાં એવી કોઇ મેચ રહી નથી જેમાં ગોલ થયો નથી. દરેક મેચમાં ગોલ થયા છે અને આની સાથે જ ૬૪ વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. છેલ્લો ૧૯૫૪માં વર્લ્ડકપમાં શરૂઆતી ૨૬ મેચોમાં ગોલ થયા હતા. ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી ૩૨ ટીમો પૈકી ૧૬ ટીમો પ્રથમ રાઉન્ડમાં જ બહાર નિકળી જનાર છે. શરૂઆતના ૧૦ દિવસમાં નવ ટીમોનું ભાવિ નક્કી થઇ ગયું છે. આર્જેન્ટીનાની ટીમ નિરાશાજનક દોરમાંથી પસાર થઇ રહી છે. આ ટુર્નામેન્ટમાં હજુ સુધી સૌથી વધારે આક્રમક રમત આર્જેન્ટીનાની જ રહી છે. શરૂઆતની બે મેચોમાં એક ડ્રો અને એક હાર થઇ હોવા છતાં આર્જેન્ટીનાની ટીમે હજુ સુધી વિપક્ષી ગોલ કોસ્ટ ઉપર ૧૩૫ એટેક કર્યા છે જે અન્ય ટીમો કરતા વધારે છે પરંતુ કમનસીબે આર્જેન્ટીનાની જીત થઇ નથી. આટલા એટેક કરાયા છતાં આર્જેન્ટીનાના ખાતામાં માત્ર એક ગોલ રહ્યો છે. પોતાની પ્રથમ મેચમાં આઈસલેન્ડ સામે આર્જેન્ટીનાએ ગોલ કર્યો હતો. લિયોનેલ મેસ્સીએ સૌથી વધુ ૧૨ પ્રયાસો કર્યા છે પરંતુ કોઇ ગોલ કરવામાં સફળતા મળી નથી.

(7:29 pm IST)