ICCની ક્રિકેટ કમીટીમાં ડેરેન લીમનના સ્થાને ન્યુઝીલેન્ડના કોચ માઈક હેસનને સ્થાન
તા.૨૮,૨૯ કમીટીની બેઠકમાં ટોસ પ્રથા બંધ કરવી કે નહિં, ક્રિકેટરોના વર્તન અંગે ચર્ચા
આઈસીસીની અનિલ કુંબલેની અધ્યક્ષતાવાળી ક્રિકેટ કમીટીમાં કોચના પ્રતિનિધિ તરીકે ઓસ્ટ્રેલિયાના ડેરેન લીમનના સ્થાને ન્યુઝીલેન્ડ ટીમના કોચ માઈક હેસનને નિયુકત કરવામાં આવ્યા છે. બોલ ટેમ્પરીંગના મામલે વિવાદ બાદ લીમને કોચપદેથી રાજીનામુ આપી દીધુ હતું.
આ કમીટીમાં ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ કેપ્ટન બેલીન્દા કલાર્ક અને સ્કોટલેન્ડના કેપ્ટન કાઈલ કોટઝરને પણ સામેલ કરવામાં આવ્યા છે. કલાર્કને મહિલા ક્રિકેટરોની પ્રતિનિધિ તરીકે લેવામાં આવી છે. કોટ્ઝરને આયરલેન્ડના કેવીન ઓબ્રાયનના સ્થાને લેવામાં આવ્યો છે. આ ત્રણેયનો કાર્યકાળ ત્રણ - ત્રણ વર્ષનો રહેશે.
૨૮ અને ૨૯ મેએ મુંબઈમાં થનારી કમીટીની બેઠકમાં આ ત્રણેય ભાગ લેશે. આ બેઠકમાં ટોસ પ્રથા બંધ કરવી કે નહિં, વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશીપ, મેદાનમાં ક્રિકેટરોના વર્તન અને ખેલભાવના જેવા વિષયો પર ચર્ચા થવાની છે.