ખેલ-જગત
News of Tuesday, 24th April 2018

સૌથી વધુ કમાનાર ખેલાડીઓમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીમાં ૮૯મા સ્‍થાનેઃ ફોર્બ્સની યાદી જાહેર

નવી દિલ્હીઃ ફોર્બ્સ દ્વારા સૌથી વધુ પૈસાદાર ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનું સ્‍થાન ૮૯મા ક્રમે છે. આ સિવાય ભારતના કોઇપણ ખેલાડીનું ૧૦૦ ખેલાડીઓની યાદીમાં નામ નથી.

28 વર્ષિય કોહલીને ફોર્બ્સ લિસ્ટ ધ વર્લ્ડઝ હાઇએસ્ટ પેઇડ એથ્લીટ્સના મુજબ વર્ષ 2017માં કુલ 22 મિલિયન ડોલર (લગભગ 150 કરોડ રૂ.) મેળવ્યા હતા. જેમાં તેણે ત્રણ મિલિયન ડોલર (લગભગ 20 કરોડ રૂ), સેલરી દ્વારા, 19 મિલિયન ડોલર (લગભગ 125 કરોડ રૂપિયા) એન્ડોર્સમેન્ટ દ્વારા કમાણી કરી હતી. વર્ષ 2017માં વિરાટ કોહલીએ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતાં સેલરી અને મેચ ફી તરીકે અંદાજે એક મિલિયન ડોલરની કમાણી કરી હતી. વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ સેલરી મેળવનાર ખેલાડીઓમાંથી એક છે.

ફોર્બ્સના આ લિસ્ટમાં ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નંબર વનના સ્થાને છે. ગત વર્ષે તેણે કુલ 93 મિલિયન ડોલર (લગભગ છ અબજ રૂપિયા)ની કમાણી કરી હતી. બીજા નંબર પર બાસ્કેટ બોલ ખેલાડી લિબ્રોન જેમ્સ છે જેણે કુલ 86.2 મિલિયન ડોલર (લગભગ પાંચ અબજ 70 કરોડ રૂપિયા) મેળવ્યા હતા.

ત્રીજા સ્થાને ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી છે જેણે 80 મિલિયન ડોલર (લગભગ 531 કરોડ રૂપિયા) ની કમાણી કરી છે. 64 મિલિયન ડોલર (લગભગ 425 કરોડ રૂપિયા) સાથે ટેનિસ સ્ટાર રોજર ફેડરર ચોથા સ્થાને જ્યારે બાસ્કેટ બોલ ખેલાડી કેવિન ડુરન્ટ છે જેણે 60.6 મિલિયન ડોલર (લગભગ 402 કરોડ રૂપિયા)ની કમાણી કરી હતી.

વિશ્વના 100 સૌથી વધુ કમાણી કરનાર એથ્લીટ્સમાં 99 પુરુષ છે જ્યારે એક મહિલાનું નામ સામેલ છે. લિસ્ટમાં ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સનું નામ 51મા નંબરે છે. તેણે ગત વર્ષે કુલ 27 મિલિયન ડોલર (લગભગ 179 કરોડ રૂપિયા)ની કમાણી કરી હતી.

(7:44 pm IST)