ખેલ-જગત
News of Tuesday, 24th April 2018

અમારી સાથે ક્રિકેટ સિરીઝ રમોઃ ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મરણીયા પ્રયાસો

બન્ને દેશો વચ્ચેની ક્રિકેટ સિરીઝ રમાશે તેવી નજમ સેઠીને આશા : પીસીબીએ બીસીસીઆઈ ઉપર કરેલા ૪૬૪ કરોડના દાવાની ઓકટોબરમાં સુનાવણી

પાકિસ્તાન ક્રિકેસટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીને લાગે છે કે ભારત અને પાકિસ્તાને ક્રિકેટની દ્વીપક્ષી સિરિઝ શરૂ કરવી જોઈએ. હાલમાં આ બે દેશો માત્ર ૫૦ ઓવરના વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી, વર્લ્ડ ટી-૨૦કપ અથવા એશિયા કપ જેવી મેચોમાં સામસામે રમે છે, પણ એકબીજાના દેશોમાં પ્રવાસ નથી કરતા.

તેમણે આ મુદ્દે કહ્યું હતું કે અમે આ માગણી કરી છે અને હવે આ મામલે ભારતીય ક્રિકેટ બોર્ડે નિર્ણય લેવાનો છે. આ બે દેશો ક્રિકેટના સંબંધો ફરી સ્થાપિત કરે એવું અમને લાગે છે. આ મુદ્દે ઉકેલ લાવવો જરૂરી છે. ૨૦૧૮માં ઈમર્જિંગ ટીમ એશિયા કપમાં પાકિસ્તાન અને શ્રીલંકાના સહયોગમાં રમાનારી ટુર્નામેન્ટમાં પાકિસ્તાનમાં ફરી ઈન્ટરનેશનલ ક્રિકેટ શરૂ થવાની આશા છે.

પાકિસ્તાન દ્વારા આતંકવાદને આપવામાં આવતા પ્રોત્સાહન અને મુંબઈમાં ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલા અને સરહદ પર વારંવાર યુદ્ધવિરામ સંધિના ભંગને કારણે ભારત સરકારે ક્રિકેટના સંબંધો કાપી નાખ્યા છે. ૨૦૦૮ બાદ માત્ર ૨૦૧૨ના ડિસેમ્બર અને ૨૦૧૩ના જાન્યુઆરીમાં ત્રણ વન-ડે અને બે ટી-૨૦ મેચો રમવા પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી. એ પછી આ દેશો સામેસામે નથી રમ્યા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સિરીઝ નહીં થવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આશરે ૭૦ મિલ્યન ડોલર (આશરે ૪૬૪ કરોડ રૂપિયા)નું નુકશાન થયું છે અને એના વળતર માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત પાસે વળતર માગ્યું છે જેની સુનાવણી આઈસીસીની ત્રણ મેમ્બરની પેનલ સમક્ષ ઓકટોબરમાં થશે. પાકિસ્તાનનો દાવો છે કે ૨૦૧૫થી ૨૦૨૩ વચ્ચે આ બે દેશો વચ્ચે ૬ દ્વિપક્ષી સિરિઝ થવાની હતી, પણ ભારતે ક્રિકેટના સંબંધ તોડી નાખ્યા છે એથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આટલી મોટી રકમનું નુકશાન થયું છે.

(4:35 pm IST)