ખેલ-જગત
News of Wednesday, 23rd December 2020

ઓસીના બે દિગ્ગજે ટીમનો છોડ્યો સાથ, ભારતને રાહત

૨૬ ડિસેમ્બરથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ : ખરાખરીની મેચમાં એબોટ અને વોર્નર પણ નહીં રમી શકે

મેલબોર્ન, તા. ૨૩ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૬ ડિસેમ્બરે શરૂ થવા જઈ રહેલી બીજી ટેસ્ટ પહેલા જ યજમાન ટીમને જોરદાર ઝટકો લાગ્યો છે. ૨૬ ડિસેમ્બરે મેલબોર્નમાં રમાનારી ટેસ્ટ મેચ બોક્સીંગ ડે ટેસ્ટ સાબિત થશે તેવો અંદાજ છે. આ ખરાખરીની મેચ પહેલા જ ઓસ્ટ્રેલિયાના બે ધરખમ ખેલાડીઓ ટીમની બહાર થઈ ગયા છે.

બીજી ટેસ્ટ મેચમાંથી ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી સીન એબોટ બહાર થઈ ગયો છે. ડેવિડ વોર્નર મેદાનમાં પાછો ફરશે તેમ માનવામાં આવતુ હતું પરંતુ હજી ડેવિડ વોર્નરે બીજી ટેસ્ટમાંથી પણ બહાર રહેવું પડશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, વોર્નર અને એબોટ ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમમાં જોડાશે. એનએસડબલ્યૂ હેલ્થ દ્વારા બનાવવામાં આવેલા વિશિષ્ટ હોટસ્પોર્ટથી બહાર થવા પર 'ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેના જૈવ-સરુક્ષિત પ્રોટોકોલ હેઠળ બોક્સીંગ ડે ટેસ્ટ માટે ટીમમાં તેમનો સમાવેશ કરતું નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે, ડેવિડ વોર્નર ટીમ ઇન્ડિયાની સામે વનડે સિરીઝમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તે હજી સુધી ગંભીર ઇજાથી બહાર આવી શક્યો નથી. તે બીજી ટેસ્ટ મેચમાં સામેલ થઈ શકશે નહીં. જ્યારે સીન એબોટ ઓસ્ટ્રેલિયા માટે ભારત એની સામે પ્રેક્ટિસ મેચ દરમિયાન કાફ ઇન્જરીનો શિકાર થયો હતો. તે તેનાથી બહાર આવી ચુક્યો છે. પરંતુ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. ડેવિડ વોર્નર ટીમ ઇન્ડિયાની સાથે બીજી વનડે દરમિયાન ફિલ્ડિંગ કરતા સમયે ઈજાગ્રસ્ત થયો હતો. મેચમાં વોર્નરની ટીમ ઇન્ડિયાની બેટિંગની ચોથી ઓવરમાં ડ્રાઇવ કર્યા બાદ ઉઠવામાં મુશ્કેલી થઈ, ત્યારબાદ તે સિડની ક્રિકેટ મેદાનથી બહાર જતો રહ્યો હતો.

(9:02 pm IST)