ખેલ-જગત
News of Monday, 23rd November 2020

ક્રિકેટ જેવી મહાન રમતને લઇને ચર્ચા કરવાથી સાર કંઇ ન હોય શકેઃ રવિ શાસ્ત્રીએ યુવા બેટસમેન શુભમન ગિલ સાથે વાતચીત કર્યા બાદ ફોટો શેર કર્યો

સિડનીઃ ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી એ રવિવારે યુવા બેટ્સમેન શુભમન ગિલની સાથે ક્રિકેટને લઈને વાતચીત કરી હતી. ભારત આ સમયે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં તેણે ત્રણ મેચોની વનડે, ત્રણ મેચોની ટી20 અને ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. વનડે સિરીઝની શરૂઆત 27 નવેમ્બરથી થઈ રહી છે. 

શાસ્ત્રીએ ટ્વિટર પર એક ફોટો શેર કરતા લખ્યુ, 'ક્રિકેટ જેવી મહાન રમતને લઈને ચર્ચા કરવાથી સારૂ કંઈ ન હોઈ શકે.' શાસ્ત્રીએ ગિલ સાથે વાતો કરતો ફોટો પણ શેર કર્યો છે. અત્યાર સુધી ગિલે ભારત માટે બે વનડે મેચ રમી છે. તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વનડે અને ટેસ્ટ ટીમનો સભ્ય છે. 

વનડે સિરીઝની પ્રથમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. બીજી મેચ 29 નવેમ્બરે આ મેદાન પર અને ત્રીજી મેચ બે ડિસેમ્બરે કેનબરાના મનુકા ઓવલ મેદાન પર રમાશે. ત્યારબાદ ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાશે. ત્રણ ટી-20 મેચ ચાર, છ અને આઠ ડિસેમ્બરે યોજાશે. 

પછી ભારત ટેસ્ટ સિરીઝમાં બોર્ડર-ગાવસકર ટ્રોફી બચાવવા ઉતરશે. પ્રથમ મેચ 17 ડિસેમ્બરે એડિલેડમાં રમાવાની છે. કેપ્ટન કોહલી આ મેચ બાદ પોતાના પ્રથમ બાળકના જન્મ માટે સ્વદેશ પરત ફરશે.

(5:24 pm IST)