ખેલ-જગત
News of Friday, 22nd March 2019

ઓસ્ટ્રેલિયન મહિલા ફૂટબોલ ખેલાડી ' કિક' ના ફોટોને કારણે થઇ ટ્રોલ : વડાપ્રધાને આપ્યો સણસણતો જવાબ ડરપોક કીડા-મકોડા ગણાવ્યા

ટાઇલા હેરીસની એક તસવીરને કારણે ટ્રોલર્સ કરે છે ખરાબ કોમેન્ટ: સમગ્ર ઓસીઝમાં વૈચારિક મુદ્દો બન્યો

ઓસ્ટ્રેલિયાની મહિલા ફૂટબોલર પ્લેયર ટાઇલા હેરીસ એક ફોટોને કારણે ટ્રોલ થઇ છે આ તસવીરને કારણે ટ્રોલર્સ ખરાબ કોમેન્ટ કરી રહ્યા છે. જોકે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને મહિલા ખેલાડીનો પક્ષ લેતા ખરાબ કોમેન્ટ કરનારને સણસણતો જવાબ આપ્યો હતો અને તેમને ડરપોક કીડા-મકોડા ગણાવ્યા હતા.

   મહિલા ફૂટબોલ ખેલાડી ટાઇલાએ એક જોરદાક કિક મારી હતી. આ કિકનો ફોટો આવ્યો છે. જેમાં તેની તેણે ઉંચો કરેલ પગ જોવા મળે છે. આ તસવીર બ્રોડરાસ્ટરે ઓનલાઇન પબ્લિશ કરી હતી. હેરિસ ઓસ્ટ્રેલિયા ફૂટબોલ લીગ વિમેન્સ (AFLW)ટીમની સભ્ય છે. તસવીર ઉપર જ્યારે ખરાબ કોમેન્ટ્સ આવવાના શરુ થયા તો તેના ઉપર પ્રતિક્રિયા આપતા હેરિસે તેને યૌનશોષણ ગણાવ્યું હતું. ખરાબ અને અપમાનિત કોમેન્ટ્સને જોતા બ્રોડકાસ્ટરે ફોટો હટાવી લીધી હતી. જોકે આ પછી માફી માંગતા ફરી ફોટો અપલોડ કર્યો હતો અને કહ્યું હતું કે તસવીર હટાવવાથી ખોટો મેસેજ ગયો છે. અમે પોતાના પેજથી ટ્રોલ્સનો સફાયો કરવાનો પ્રયત્ન કરશે.

    આ ઘટના આખા ઓસ્ટ્રેલિયામાં એક વૈચારિક ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. લોકો મહિલા ફૂટબોલ ખેલાડીના પક્ષમાં ટ્વિટ કરી રહ્યા છે અને ફેસબુક કોમેન્ટ્સ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ટ્રોલિંગ કરનારને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું સમજું છું કે તે (ટ્રોલ)કીડા-મકોડા છે. તે બધા ડરપોક કીડા-મકોડા છે અને તેમણે પોતે જાગવાની જરુર છે. આવા લોકો સાથે માનવીય નહીં પણ કીડા-મકોડા જેવો વ્યવહાર કરવો જોઈએ.

   21 વર્ષની મહિલા ફૂટબોલ ખેલાડીએ આ સંબંધમાં કોઈ પોલીસ ફરિયાદ કરાવશે નહીં. તે વિચારે છે કે આ મામલે વધારે મીડિયા કવરેજ થાય જેથી ગાળો આપનાર બે વખત વિચાર કરે. હેરિસે કહ્યું હતું કે મારા ફૂટબોલ પર આવી ટિપ્પણી અને ટિકા કરવાથી મને ફરક પડતો નથી પણ જે કોમેન્ટ્સ કર્યા છે તે ખરાબ છે અને મારા પરિવારનો લોકો પણ વાંચે છે. દુનિયાભરમાંથી મળી રહેલા સમર્થન બદલ બધાનો આભાર માનું છું.

(1:15 am IST)