ખેલ-જગત
News of Friday, 23rd March 2018

મહિલા શૂટર ઈલાવેનિલએ જુનિયર વર્લ્ડ શૂટિંગમાં મેળવ્યું સુવર્ણ પદક

નવી દિલ્હી: ભારતની ૧૮ વર્ષીય મહિલા શૂટર ઈલાવેનિલ વાાલરિવને જુનિયર વર્લ્ડ કપ શૂટિંગમાં વર્લ્ડ રેકોર્ડ તોડીને ડબલ ગોલ્ડ મેડલ જીત્યા હતા. કારકિર્દીમાં પહેલી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં રમી રહેલી ઈલાવેનિલે ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં વ્યક્તિગત ગોલ્ડ જીત્યો હતો અને તેણે શ્રેયા અગ્રવાલ અને ઝીના ખીટ્ટા સાથે મળીને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના અર્જુન બાટુલાએ મેન્સ ૧૦ મીટર એર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કારકિર્દીના બીજા જુનિયર વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી યુવા શૂટરે ક્વોલિફાઈંગમાં નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવતા ૬૩૧. નો સ્કોર કર્યો હતો. જે પછી ફાઈનલમાં પણ તેણે શાનદાર દેખાવ જારી રાખતાં ૨૪૯.૮ના સ્કોર સાથે ગોલ્ડન સફળતા મેળવી હતી. જ્યારે તાઈપેઈની લીન યીંગ શીનને સિલ્વર અને ચીનની વાંગ ઝેરુને બ્રોન્ઝ મળ્યો હતો. ઈલાવેનિલના શાનદાર દેખાવની મદદથી ટીમ ઈવેન્ટમાં પણ ભારતને ગોલ્ડ મળ્યો હતો. નોંધપાત્ર છે કે, ઈલાવેનિલને ગત વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ગત વર્ષે એશિયન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારા ભારતના અર્જુન બાટુલાએ ૨૨૬.૨નો  સ્કોર કરતાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ઈવેન્ટમાં ચીનના યુકી લીયુને ૨૪૭. ના સ્કોર સાથે ગોલ્ડ અને હંગેરીના ઝાલાન પેકલરને ૨૪૬ના સ્કોર સાથે સિલ્વર મળ્યો હતો.

(4:56 pm IST)