ખેલ-જગત
News of Friday, 22nd November 2019

ડેનાઇટ ટેસ્ટમાં શેખ હસીના સહિત બધા દિગ્ગજો હાજર

લંચ બ્રેક વેળા સચિન, કુંબલે, ભજ્જી, લક્ષ્મણ : પ્રથમ દિવસે લંચ બ્રેક દરમ્યાન ઐતિહાસિક સ્થળ પરની આઈકોનિક પળોની યાદો તાજી કરવામાં આવી : રિપોર્ટ

કોલકાતા, તા. ૨૨ : કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે શરૂ થયેલી ડેનાઇટ ટેસ્ટના પ્રથમ દિવસે આ ટેસ્ટ મેચને યાદગાર બનાવવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. કોલકાતાના ઐતિહાસિક મેદાન પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ પિંક બોલ ટેસ્ટ મેચનું ઉદ્ઘાટન કરવા માટે પડોશી દેશ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પહોંચ્યા હતા. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે, હરભજનસિંહ અને અન્ય તમામ દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ બાંગ્લાદેશના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આ ટેસ્ટ મેચને જોવા માટે તમામને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બીજી બાજુ મેચમાં કોમેન્ટ્રી કરવા માટે પણ મહાન ખેલાડીઓને બોલાવવામાં આવ્યા હતા. તમામ દિગ્ગજોને આમંત્રણ અપાયું હતું જેમાં વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડનો પણ સમાવેશ થાય છે.

                     બાંગ્લાદેશના વડાપ્રધાને તમામનું ધ્યાન ખેંચ્યું હતું. આ ટેસ્ટ મેચ બંને દેશો માટે પ્રથમ ડેનાઇટ ટેસ્ટ મેચ રહેલી છે. મમતા બેનર્જી કેબિનેટના અન્ય પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સચિન તેંડુલકર અને અનિલ કુંબલે સહિત તમામ દિગ્ગજો આ મેચ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. દેશની પ્રથમ ડેનાઇટ ટેસ્ટ મેચ દરમિયાન લંચ બ્રેક વેળા ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ ગાળા દરમિયાન સચિન, કુંબલે, હરભજન અને વીવીએસ લક્ષ્મણે આ ઐતિહાસિક સ્થળ પર આઈકોનિક ક્ષણોની યાદ તાજી કરી હતી જેમાં વિન્ડિઝ સામે ૧૯૯૩ના હીરો કપની ફાઈનલ અને ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચની યાદોનો સમાવેશ થાય છે. તમામે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીનો આભાર માન્યો હતો. સૌરવ ગાંગુલી ઉપસ્થિત થશે તેમ માનવામાં આવી રહ્યું હતું પરંતુ વહીવટી મુદ્દાઓના કારણે તે જોડાયો ન હતો. કોલકાતાના લોકોમાં સચિનને જોઈને ચાહકો રોમાંચિત થયા હતા. આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે લક્ષ્મણ અને દ્રવિડ વચ્ચે ૩૭૬ રનની ભાગીદારીની યાદ પણ તાજી થઇ હતી. હરભજને મેચમાં ૧૩ વિકેટો લેવાની સિદ્ધિને પણ યાદ કરી હતી.

(7:54 pm IST)