ખેલ-જગત
News of Friday, 22nd October 2021

IPLની ટીમોને ચાર ખેલાડી રિટેન કરવા મંજૂરીનાં સંકેત

આઈપીએલમાં રિટેનશન પોલીસીથી ટીમો અવઢવમાં : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ટીમના પ્રતિનિધિઓની વિચારણા, આ બાબત સહમતી સધાઈ હોવાના અહેવાલ

મુંબઈ, તા.૨૨ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી હરાજી માટે ટીમો રિટેનશન પોલિસીને લઈને અવઢવમાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા હજી સુધી તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ બોર્ડ ટીમોને ચાર ખેલાડીઓ રિટેન કરવાની મંજૂરી આપી શકે છે. તાજેતરમાં જ યુએઈમાં આઈપીએલ-૨૦૨૧ની સિઝન સમાપ્ત થઈ હતી. તેના થોડા દિવસો દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ટીમનો પ્રતિનિધિતઓ સાથે ચર્ચા વિચારણા થઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે તમામ પક્ષો ફ્રેન્ચાઈઝી કેટલા ખેલાડીઓ રિટેન કરી શકશે તેને લઈને સહમતી થઈ ગઈ છે.

ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના અગાઉના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ટીમોને ત્રણ ભારતીય અને બે વિદેશી ખેલાડીઓને રિટેન રાખવાની મંજૂરી આપવામાં આવશે જેમાં ચારથી વધુ ખેલાડી રિટેન કરી શકાશે નહીં. આ ઉપરાંત અનકેપ્ડ ખેલાડીઓના રિટેનશન માટે કેપ લગાવવામાં આવશે. ટીમ બેથી વધારે અનકેપ્ડ ખેલાડી રિટેન કરી શકશે નહીં.

માનવામાં આવી રહ્યું છે કે પ્લેયર પર્સ ૯૦ કરોડ રૂપિયાનું હશે અને બે વર્ષ બાદ તેમાં વધારો થઈને તે ૯૫ કરોડ અને ૧૦૦ કરોડ રૂપિયા પહોંચશે. જો ફ્રેન્ચાઈઝી ચાર ખેલાડીઓ રિટેન કરવાનું નક્કી કરે છે તો તે તેના પર્સના ૪૦-૪૫ ટકા ખર્ચ કરી શકે છે. રિટેનશના નિયમો અંગે સત્તાવાર જાહેરાત બે નવી ટીમોના વેચાણ બાદ તરત જ કરવામાં આવશે. ૨૫ ઓક્ટોબરે બે નવી ટીમોની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

રિટેશન નિયમો હવે આઈપીએલના મોટા પ્રશ્નનો જવાબ આપે છે. ચેન્નઈ સુપર કિંગ્સ હવે પોતાના લિજેન્ડરી સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાં રાખી શકે છે. ટીમના માલિક એન શ્રીનિવાસન જાતે કહી ચૂક્યા છે કે તેઓ ધોનીને રિટેન કરશે. તેમણે કહ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સ, ચેન્નઈ અને તામિલનાડુનો ભાગ છે. ધોની વગર સીએસકે નથી અને સીએસકે વગર ધોની નથી. ધોની ઉપરાંત ટીમ રવીન્દ્ર જાડેજા અને ઋતુરાજ ગાયકવાડના રૂપમાં બે ભારતીય ખેલાડીઓને રિટેન કરી શકે છે. જ્યારે વિદેશી ખેલાડીમાં ડ્વેઈન બ્રાવો અથવા તો ફાફ ડુપ્લેસિસને રિટેન કરી શકે છે.

(7:19 pm IST)