ખેલ-જગત
News of Sunday, 22nd September 2019

ભારતીય ક્રિકેટરોને BCCI તરફથી દિવાળી ગીફટ : વિદેશી પ્રવાસ માટે ડેઇલી એલાઉન્‍સની રકમ બે ગણી કરાઇ : ક્રિકેટરોને જલ્‍સામાં ઓર જલ્‍સા

મુંબઇ : ભારતીય ક્રિકેટરો(Indian Cricketers)ને દિવાળી પહેલા બીસીસીઆઈ (BCCI)થી તરફથી ભેટ મળી છે. ખેલાડીઓનું દૈનિક ભથ્થુ હવે ડબલ થઈ ગયું છે. બીસીસીઆઈની પ્રશાસકોની સમિતિ(Committee Of Administrators)એ વિદેશ પ્રવાસ માટે ડેઇલી એલાઉન્સ ડબલ કરી દીધું છે. જેથી હવે ખેલાડીને વિદેશના પ્રવાસે જવા માટે એક ખેલાડીને દરરોજ 250 ડોલર મળશે. અત્યાર સુધી 125 ડોલર દરરોજ મળતી હતી. ઘરેલું આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે પણ દૈનિક ભથ્થુ વધારી દીધું છે.

મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે નવી દિલ્હીમાં બેઠક દરમિયાન દૈનિક ભથ્થા પર નિર્ણય કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ભારતમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ખેલાડીઓને 100 ડોલરની આસપાસ મળતા હતા. જોકે અમેરિકી ડોલરની દરરોજ બદલતી કિંમતના આધારે દૈનિક ભથ્થું નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. હવે ભારતીય ક્રિકેટર્સને ઘરેલું શ્રેણી માટે દરરોજ 7500 રુપિયા મળશે.

સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારોને પણ લોટરી

દૈનિક ભથ્થુ તેના પ્રવાસ, રહેવાની વ્યવસ્થા અને કપડા ધોવા માટે અલગ છે. આ જવાબદારી પણ બીસીસીઆઈ તરફથી છે. દૈનિક ભથ્થા વધવાનો લાભ ટીમ ઇન્ડિયાના સપોર્ટ સ્ટાફને પણ મળશે. સપોર્ટ સ્ટાફને ઘરેલું શ્રેણી માટે હવે દરરોજ 7 હજાર રુપિયા મળશે. પહેલા તેમને 3500 રુપિયા મળતા હતા. વિદેશના પ્રવાસ માટે પસંદગીકારોને પહેલાથી જ દરરોજના 250 ડોલર મળતા હતા. મહિલા ક્રિકેટરોને પણ લાભ મળશે.


બીસીસીઆઈ મેચ ફી અને કોન્ટ્રાક્ટની રકમ અલગથી આપે છે

ક્રિકેટર્સને મળનાર દૈનિક ભથ્થાની રકમ મેચ ફીથી અલગ છે. બીસીસીઆઈ એક ટેસ્ટ મેચ માટે 15 લાખ, વન-ડે માટે 6 લાખ અને ટી-20 મેચ માટે 3 લાખ રુપિયા આપે છે. જે ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નથી મળતું તેમને પણ મેચ ફી મળે છે. આ સિવાય બીસીસીઆઈ ચાર પ્રકારના કોન્ટ્રાક્ટ આપે છે. જેમાં A પ્લેસમાં 7 કરોડ, A માં 5 કરોડ, B માં 3 કરોડ અને C માં એક કરોડ રુપિયા મળે છે.

(4:11 pm IST)