ખેલ-જગત
News of Sunday, 22nd July 2018

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તેંડુલકરે કુલદીપ યાદવને આપી મહત્વની સલાહ

ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન રૂટે વન ડે શ્રેણીમાં સતત બે સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડે 2-1થી વન ડે શ્રેણી જીતી ભારત પર તારીખ 1 ઓગસ્ટથી શરૂ થતી ટેસ્ટ શ્રેણી માટે દબાણ વધાર્યું છે. અત્યારથી એવો પ્રચાર થઇ રહ્યો છે કે ભારતના ટ્રમ્પ કાર્ડ કુલદીપ યાદવ અને યઝવેન્દ્ર ચહલની સ્પિન બોલિંગ પર ઈંગ્લેન્ડે કાબુ મેળવી લીધો છે.

જો કે તેંડુલકરનું માનવું છે કે રૂટને બાદ કરતા હજુ પણ ઈંગ્લેન્ડના બેટ્સમેનો યાદવની સામે આત્મવિશ્વાસ સાથે નથી રમી શકતા. રૂટ પ્રભુત્વ સાથે રમી શક્યો તેનું કારણ તેંડુલકરના મતે એ છે કે રૂટ યાદવના બોલને કાંડામાંથી છોડે છે ત્યારથી તેના પર નજર માંડી, તેને પારખી અને તે પ્રમાણે રમે છે. યાદવનું શસ્ત્ર જ એ છે કે તેના હાથથી બોલ છૂટે ત્યારે જોઇ ના શકો.

તેંડુલકરે સાથે જ કહ્યું કે, યાદવના બોલ સીધા જ પીચ પર પડે ત્યારે જ દેખાતા હોય છે તે પછી નિર્ણય લેવો બેટ્સમેન માટે અઘરો બને છે. પણ રૂટે તેને રમવાની પધ્ધતિ અને હાથથી નીકળતા બોલથી કળવામાં સફળતા મેળવી છે. યાદવે તેની એકશન અંગે વિચારવું પડશે.

(1:51 pm IST)