ખેલ-જગત
News of Tuesday, 22nd May 2018

એટીપી રેન્કિંગમાં ફરી એકવાર નંબર વન બન્યો નડાલ

નવી દિલ્હી: ઇટાલિયન ઓપનનું ટાઇટલ જીતવાની સાથે જ રફેલ નડાલે એટીપી મેન્સ સિંગલ્સ રેન્કિંગમાં ફરી એકવાર ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે. આમ, ૨૭ મેથી શરૃ થતી ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રફેલ નડાલ નંબર-૧ પ્લેયર તરીકે ઉતરશે. એટીપી મેન્સ સિંગલ્સ રેન્કિંગમાં નડાલ અને બીજા ક્રમના ફેડરર વચ્ચે માત્ર ૧૦૦ પોઇન્ટનું અંતર છે. ફેડરર માર્ચ મહિનાથી ટેનિસથી દૂર છે. મેડ્રિડ માસ્ટર્સની ક્વાર્ટર ફાઇનલમાં નડાલનો પરાજય થતાં ફેડરર ગત સપ્તાહે નંબર-૧ બન્યો હતો. હવે ઇટાલિયન ઓપનમાં ચેમ્પિયન બનવાની સાથે જ નડાલે ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ ૧૧મી વખત જીતવા માટે પોતાની દાવેદારી પણ મજબૂત કરી છે. ઇટાલિયન ઓપનની સેમિફાઇનલમાં પરાજયનો સામનો કરનારો નોવાક યોકોવિચના રેન્કિંગમાં ચાર સ્થાનનો ઘટાડો થતાં તે હવે ૨૨મા ક્રમે આવી ગયો છે. ઓક્ટોબર ૨૦૦૬ બાદ તેનું આ સૌથી કંગાળ રેન્કિંગ છે ત્યારે તે ૨૨મા ક્રમે ફેંકાયો હતો. યોકોવિચના હાલમાં ૧૬૬૫ પોઇન્ટ છે. યોકોવિચે ૧ જાન્યુઆરી ૨૦૦૭ બાદ ક્યારેય પણ ટોપ-૧૫માંથી સ્થાન ગુમાવ્યું નથી. હવે સેમ ક્વેરી, રોબર્ટો બૌતિસ્તા, ડિયેગો ચેવર્ટઝમાન, લુકાસ પૌલી, ટોમસ બર્ડિચ જેવા પ્લેયર્સે પણ યોકોવિચને ઓવરટેક કર્યો છે. અન્ય સ્ટાર પ્લેયર્સમાંથી એન્ડી મરે ૪૫માં ક્રમે છે. એટીપી મેન્સ સિંગલ્સ રેન્કિંગ : ૧. રફેલ નડાલ (૮૭૭૦), ૨. રોજર ફેડરર (૮૬૭૦), ૩. એલેક્ઝાન્ડર ઝ્વેરેવ (૫૬૧૫), ૪. મારિન સિલિક (૪૯૫૦), ૫. ગ્રિગોર દિમત્રોવ (૪૮૭૦), ૬. જુઆન માર્ટિન ડેલ પોટરો (૪૪૫૦), ૭. કેવિન એન્ડરસન (૩૬૩૫), ૮. ડોમિનિક થિઅમ (૩૧૯૫), ૯. ડેવિડ ગોફિન (૩૦૨૦), ૧૦. જ્હોન ઇસનેર (૨૯૫૫).

(4:59 pm IST)