ખેલ-જગત
News of Monday, 22nd April 2019

IPL- 2019: પંતના પાવરફુલ 78 રન અને ધવને ફિફટી ફટકારી : રાજસ્થાનને 6 વિકેટે હરાવી દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોચે પહોંચ્યું

રાજસ્થાનના 191 રનના જવાબમાં દિલ્હીએ 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો

આઇપીએલ-2019ની 12મી સીઝનમાં રિષભ પંતના અણનમ 78 રન અને અને શિખર ધવન 54 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને હાઇ-સ્કોરિંગ મેચમાં 6 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે 11 મેચમાં સાત વિજય સાથે 14 પોઈન્ટની મદદથી દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી છે

   . પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને રહાણેની સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 191 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. રિષભ પંતે 36 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની સાથે અણનમ 78 રન બનાવી ટીમને વિજય અપાવ્યો હતો. રાજસ્થાન સાથે આ સિઝનમાં બીજી વખત થયું છે જ્યારે કોઈ બેટ્સમેને સદી ફટકારી હોય અને ટીમે પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા સંજૂ સૈમસને હૈદરાબાદ સામે સદી ફટકારી હતી ત્યારે પણ રાજસ્થાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

192 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીને શિખર ધવન અને પૃથ્વી શોએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પાવરપ્લેમાં 59 રન ફટકારી દીધા હતા. ધવને આક્રમક બેટિંગ કરી હતી. રાજસ્થાનને 8મી ઓવરમાં પ્રથમ સફળતા મળી હતી. શિખર ધવન (54)ને શ્રેયસ ગોપાલે આઉટ કર્યો હતો. ધવને 27 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ નવમી ઓવરમાં પણ શ્રેયસ અય્યર આઉટ થઈ ગયો હતો. તેને રિયાન પરાગે બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 

ત્યારબાદ રિષભ પંતે પૃથ્વી શો સાથે મળીને 84 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન પંતે આ સિઝનમાં પોતાની બીજી અડધી સદી પૂરી કરી હતી. ઈનિંગની 17મી ઓવરમાં શ્રેયસ ગોપાલે પૃથ્વી શો (42)ને આઉટ કરીને રાજસ્થાનને ત્રીજી સફળતા અપાવી હતી. શોએ 39 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ ટીમનો સ્કોર 175 હતો ત્યારે રૂથરફોર્ડ 5 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 11 રન બનાવી આઉટ થયો હતો. 

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે રહાણેની વિસ્ફોટક ઈનિંગની મદદથી દિલ્હીને 192 રનનો લક્ષ્ય આપ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સની ટીમ તરફથી રહાણેએ અણનમ 105 રન બનાવ્યા હતા. આ સાથે તેણે આઈપીએલ કરિયરની બીજી સદી ફટકારી હતી. તેના સિવાય સ્ટીવ સ્મિથે 50 રનની ઈનિંગ રમી હતી. 

રાજસ્થાનની શરૂઆક ખરાબ રહી અને બીજી ઓવરમાં સૈમસન શૂન્ય રને રન આઉટ થઈ ગયો હતો. સૈમસનને રબાડાએ આઉટ કર્યો હતો. ત્યારબાદ રહાણેએ સ્મિથ સાથે મળીને 130 રનની ભાગીદારી કરી અને ટીમને એક મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. પરંતુ 14મી ઓવરમાં સ્મિથ 50 રન બનાવી આઉટ થઈ ગયો હતો. 

તેને અક્ષર પટેલે ક્રિસ મોરિસના હાથે બાઉન્ડ્રી પર કેચ કરાવ્યો હતો. 16મી ઓવરના 5માં બોલ પર રાજસ્થાનને ત્રીજો ઝટકો લાગ્યો અને બેન સ્ટોક્સ 8 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ 17મી ઓવરમાં ઈશાંત શર્માએ એસ્ટન ટર્નરને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ટર્નર આઈપીએલની હાલની સિઝનમાં સતત ત્રીજીવાર શૂન્ય પર આઉટ થયો હતો. 

આ સિવાય સ્ટુઅર્ટ બિન્નીએ 13 બોલ પર બે ચોગ્ગાની મદદથી 19 રન બનાવીને રાજસ્થાનને છ વિકેટ પર 191ના સ્કોર સુધી પહોંચાડી દીધું હતું. રેયાન પરાગે ત્રણ બોલમાં ચાર રન બનાવ્યા હતા. રહાણે અંત સુધી અણનમ રહ્યો હતો. તેણે 63 બોલની ઈનિંગમાં 11 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. 

દિલ્હી તરફથી રબાડાએ 2 અને અક્ષર પટેલ, ઈશાંત શર્મા તથા ક્રિસ મોરિસે 1-1 વિકેટ ઝડપી હતી

(1:01 am IST)