ખેલ-જગત
News of Monday, 22nd April 2019

એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતના 16 વર્ષીય જેરેમી લાલરિન્નુંગાએ રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી: ભારતના ૧૬ વર્ષીય જેરેમી લાલરિન્નુંગાએ એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં રેકોર્ડતોડ વજન ઊંચકી એક, બે નહીં પરંતુ ૧૫ રેકોર્ડ તોડયા હતા. જેરેમીએ પુરુષ વિભાગના ગ્રૂપ બીમાં ૬૭ કિગ્રા વજન વર્ગમાં ત્રણ પ્રયાસમાં ક્લીન એન્ડ જર્કમાં કુલ ૨૯૭ કિગ્રા વજન (૧૩૪ + ૧૬૩) ઊંચક્યું હતું અને તે પોતાના ગ્રૂપમાં પાકિસ્તાનના તલ્હા તાલિબ બાદ બીજા સ્થાને રહ્યો હતો. તાલિબે કુલ ૩૦૪ કિગ્રા (૧૪૦ +૧૬૪) વજન ઊંચક્યું હતું. જેરેમીએ પોતાના આ પ્રદર્શન દ્વારા ૧૫ રેકોર્ડ તોડયા હતા. જેમાં છ ઇન્ટરનેશનલ રેકોર્ડ જેમાં ત્રણ યૂથ વર્લ્ડ રેકોર્ડ અને ત્રણ યૂથ એશિયન રેકોર્ડ સામેલ છે જ્યારે નવ નેશનલ રેકોર્ડ જેમાં ત્રણ યૂથ નેશનલ, ત્રણ જુનિયર નેશનલ અને ત્રણ સિનિયર નેશનલ રેકોર્ડ તોડયા હતા. આ પહેલાં યૂથ વર્લ્ડ રેકોર્ડ જેરેમીના નામે જ હતો. તેણે ફેબ્રુઆરીમાં થાઇલેન્ડમાં ૧૩૧ કિગ્રા વજન ઊંચક્યું હતું. જેરેમીએ ક્લીન એન્ડ જર્કમાં બે સફળ પ્રયાસમાં પોતાના વજન કરતાં ડબલ વજન (૧૫૭ અને ૧૬૩ કિગ્રા વજન) ઊંચક્યું હતું. તેણે કઝાખસ્તાનના વેઇટલિફ્ટર સેઇખાન તાઇસુયેવના ૧૬૧ કિગ્રા વજન વર્ગના યૂથ વર્લ્ડ રેકોર્ડને તોડયો હતો.  જરેમીનો આ વ્યક્તિગત શ્રેષ્ઠ અને તેના ૨૮૮ કિગ્રા યૂથ વર્લ્ડ રેકોર્ડ કરતાં નવ કિગ્રા વધારે હતું જે તેણે ઈય્છ્ કપમાં ઊચકી સિલ્વર મેડલ જીત્યો હતો. ૬૭ કિગ્રા વજન વર્ગમાં આ માત્ર બીજી ઇન્ટરનેશનલ સ્પર્ધા હતી જેને ગત વર્ષે ઓલિમ્પિક ગેમ્સ અને અન્ય ઇવેન્ટમાં સામેલ કરી હતી.  જેરેમીએ ૬૭ કિગ્રામાં સ્નેચ, ક્લીન એન્ડ જર્ક અને કુલ વજન ઊંચકવાનો નેશનલ સિનિયર રેકોર્ડ રોડયો હતો. તેણે સ્મેશમાં પોતાનો ૧૩૧ કિગ્રા વજન વર્ગનો રેકોર્ડ તોડયો હતો જ્યારે ગુલામ નવીના ક્લીન એન્ડ જર્કનો ૧૬૦ કિગ્રાનો રેકોર્ડ તોડયો હતો. આ ઉપરાંત જેરેમીએ પોતાના કુલ ૨૮૮ કિગ્રા વજન વર્ગના રેકોર્ડને તોડી નવો રેકોર્ડ બનાવ્યો હતો.

(6:28 pm IST)