ખેલ-જગત
News of Friday, 22nd March 2019

કુલદીપ યાદવે કર્યા ધોનીના વખાણ: 'ભાઈની હાજરીને કારણે બોલરોનું કામ આસાન બની જાય છે'

નવી દિલ્હી: ભારતીય સ્પિનર કુલદીપ યાદવે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીના ભારોભાર વખાણ કરતાં કહ્યું છે કે, માહી ભાઈની હાજરીને કારણે બોલરોનું કામ આસાન બની જાય છે. જ્યારે બોલર મેચની પરિસ્થિતિ અંગે ગુંચવાય ત્યારે ધોની તરત મદદ માટે દોડી આવે છે અને અમને માર્ગદર્શન મળે એટલે બોલરની સમસ્યા આસાન બની જાય છે. તેઓ બોલરને સલાહ આપે છે કે, પરિસ્થિતિમાં કેવી રીતે બોલિંગ કરીએ તો સફળતા મેળવી શકાય.કુલદીપ યાદવે કહ્યું કે, મને ગર્વ છે કે, ભારતના બે વર્લ્ડકપ અપાવનારા દિગ્ગજ સુપરસ્ટાર સાથે રમવાની મને તક સાંપડી છે. એક ચેનલ સાથેની વાતચીતમાં ભારતીય ટીમના સ્પિનરે કહ્યું કે, મેચની પરિસ્થિતિને પારખવામાં ધોની ખુબ કુશળ છે. તે હરહંમેશ મેચની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતાં રહે છે અને જરુરી ઈન પુટ્સ આપતાં રહે છે.આગામી વર્લ્ડકપમાં ભારતની જીતવાની સંભાવના અંગે કુલદીપે કહ્યું કે, વખતે ભારત પાસે ચોક્કસપણે વર્લ્ડકપ જીતીને ઘરે લાવવાની તક છે. જોકે મને લાગે છે કે, ઈંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે રમતી હોવાથી વધુ મજબુત છે. તેમની બેટીંગ લાઈનઅપ અન્ય ટીમો કરતાં વધુ લાંબી અને પાવરફૂલ છે. ઉપરાંત મને લાગે છે કે, પાકિસ્તાન પણ વર્લ્ડકપમાં સારો દેખાવ કરી શકે છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો  પર નજર રાખવી પડશે.

(5:19 pm IST)