ખેલ-જગત
News of Tuesday, 22nd January 2019

પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરને મળી હાર

નવી દિલ્હી:છેલ્લા બે વર્ષથી અંહી ચેમ્પિયન બનતા સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી ટેનિસ ખેલાડી ફેડરરને ગ્રીસના ૧૪મો સીડ ધરાવતા યુવા ખેલાડી સિત્સિપાસે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ૬-૭ (૧૧-૧૩), ૭-૬ (૭-૩), ૭-૫, ૭-૬ (૭-૫)થી હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેજર અપસેટ સર્જ્યો હતો. ૨૦ વર્ષના ગ્રીક ખેલાડીએ સિત્સિપાસે ૩૭ વર્ષીય વર્ષીય ફેડરર સામે ત્રણ કલાક અને ૪૫ મિનિટના જોરદાર સંઘર્ષ બાદ કારકિર્દીનો યાદગાર વિજય મેળવતા સૌપ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ફેડરર ૧૬ વર્ષમાં માત્ર બીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહ્યો હતો. ફેડરર સામે સિત્સિપાસના વિજયની સાથે સાથે ઓસ્ટ્રેલિયન ઓપનમાં આજે સાતમા દિવસે વધુ બે મેજર અપસેટ સર્જ્યા હતા. ૨૨મો ક્રમાંક ધરાવતા સ્પેનના એગ્યુટે છઠ્ઠો સીડ ધરાવતા ક્રોએશિયાના મરિન સિલીકને ૬-૭ (૬-૮), ૬-૩, ૬-૨, ૪-૬, ૬-૪થી હરાવીને અપસેટ સર્જતાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે અમેરિકાના ૨૦ વર્ષીય ટેનિસ ખેલાડી ટિએફોએ ૨૦મો સીડ ધરાવતા બલ્ગેરિયાના ડિમિટ્રોવની સામે ૭-૫, ૭-૬ (૮-૬), ૬-૭ (૧-૭), ૭-૫થી જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનમાં અપસેટોના ઝંઝાવાત વચ્ચે સ્પેનના લેજન્ડરી ટેનિસ સ્ટારે નડાલે આગેકૂચ જારી રાખતાં પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ચેક રિપબ્લિકના બર્ડિચને સીધા સેટોમાં ૬-૦, ૬-૧, ૭-૬ (૭-૪)થી પરાજય આપ્યો હતો. મેલબોર્ન પાર્કમાં ચાલી રહેલી સિઝનની સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ - ઓસ્ટ્રેલિયન ઓપન -માં મેન્સ સિંગલ્સના ચોથા રાઉન્ડમાં સિત્સિપાસે જબરજસ્ત દેખાવ કરતાં ૨૦ એસ ફટકાર્યા હતા. જ્યારે સામેની તરફ ફેડરરનો દેખાવ કંગાળ રહ્યો હતો અને તે તેને મળેલા ૧૨માંથી એક પણ બ્રેક પોઈન્ટને કન્વર્ટ કરી શક્યો નહતો. વર્લ્ડ રેન્કિંગમાં ૧૫મું સ્થાન ધરાવતો સિત્સિપાસ ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશનારો ગ્રીસનો સૌપ્રથમ ખેલાડી બન્યો હતો. આ પરાજયની સાથે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સળંગ ૧૭ મેચ જીતવાના ફેડરરના રેકોર્ડનો પણ અંત આવી ગયો છે.  

(6:24 pm IST)