ખેલ-જગત
News of Monday, 21st October 2019

અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશીદ ખાન બન્યા ધ હન્ડ્રેડ લીગમાં પસંદ કરનાર પ્રથમ ખેલાડી

વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને સદર્ન બ્રેવે બીજા નંબર પર પસંદ કર્યા

અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશીદ ખાનને 'ધ હન્ડ્રેડ' ટુર્નામેન્ટના ડ્રાફ્ટમાં સૌથી પહેલા પસંદ કરવામાં આવ્યા પરંતુ વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલને આગામી વર્ષે રમાવનારી ટુર્નામેન્ટ માટે કોઈ ટીમમાં જગ્યા મળી નથી. રાશીદ ખાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરતા ટી-૨૦ ક્રિકેટમાં ૧૨.૦૩ ની એવરજથી ૮૧ વિકેટ લીધી છે જેને બ્રિટેનમાં આઠ ટીમોની વચ્ચે પ્રતિ ઇનિંગ ૧૦૦ બોલની આ ટુર્નામેન્ટમાં તેમને સ્ટાર દાવેદાર બનાવ્યા હતા.

 ટ્રેન્ટ રાકેટ્સે સૌથી પહેલા ૨૧ વર્ષના આ સ્પિનરને પસંદ કર્યા હતા. પ્રથમ રાઉન્ડની પસંદગીમાં વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને સદર્ન બ્રેવે બીજા નંબર પર પસંદ કર્યા જ્યારે ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચને નોર્થન સુપરચાર્જર્સે પોતાની સાથે જોડ્યા હતા. શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગા અને સાઉથ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડાને પણ પસંદ કરવામાં આવ્યા હતા. ઇંગ્લેન્ડના મોટા ભાગના વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને ડ્રાફ્ટ પહેલા જ ટીમોમાં ફાળવી દેવામાં આવ્યા હતા. વેલ્સ ફાયરે ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક અને સ્ટીવન સ્મિથને પસંદ કર્યા જ્યારે ઓવલ ઈન્વિન્સીબલે વેસ્ટ ઇન્ડીઝના સુનીલ નારાયણને પોતાની સાથે જોડ્યા હતા. જેસન રોય પહેલાથી જ ઓવલ ટીમના ભાગ હતા.

માન્ચેસ્ટર ઓરિજિનલ્સે સાઉથ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિર અને ડેન વિલાસને પસંદ કર્યા હતા. લંડન સ્પિરિટે ગ્લેન મેકસવેલ જયારે બર્મિંગહામ ફિનીક્સે લિયામ લિવિંગસ્ટોનને પોતાની સાથે જોડ્યા હતા. બીજા રાઉન્ડમાં બર્મિંગહામે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને પોતાની સાથે જોડ્યા જ્યારે સ્પિરિટે અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને પાકિસ્તાનના મોહમ્મદ આમિરને પસંદ કર્યા હતા. ત્રીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના નાથન કલ્ટર નાઈલને રોકેટ્સ જ્યારે પાકિસ્તાનના શાદાબ ખાનને બ્રેવ ટીમે પસંદ કર્યા હતા.

(1:46 pm IST)