ખેલ-જગત
News of Monday, 21st September 2020

મયંક અગ્રવાલની લડાયક બેટિંગ છતાં કિંગ્સ ઇલેવનના મોઢેથી વિજયનો કોળિયો ઝૂંટવાયો : સ્ટોઇનિસનો ઓલરાઉન્ડ દેખાવ

પંત-અય્યર વચ્ચે અડધી સદીની ભાગીદારી : મોહમ્મદ શમીએ ચાર ઓવરમાં 15 રન આપી ત્રણ વિકેટ ઝડપી

અબુધાબીઃ મયંક અગ્રવાલની લડાયક ઇનિંગ્સ છતાં પણ કિંગ્સ ઇલેવન પંજાબના મોઢેથી વિજયનો કોળિયો  છીનવાઈ ગયો હતો. સુપર ઓવરમાં રબાડાએ કિંગ્સ ઇલેવનના કેપ્ટન રાહુલ અને નિકોલસ પૂરનને આઉટ કરતા દિલ્હી કેપિટલ્સને જીતવા માટે ત્રણ જ રન કરવાના આવ્યા હતા. તેમા સામીએ એક વાઇડ ફેંકતા અને પછી પંતે બે રન લેતા દિલ્હી કેપિટલ્સ સુપર ઓવરમાં જીતી ગયું હતું.

કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ભારે રોમાંચકતા બાદ સુપર ઓવરમાં ગઈ હતી. છેલ્લી ઓવરમાં પંજાબને 13 રન જોઇતા હતા ત્યારે મયંક અગ્રવાલે પહેલા બોલે છગ્ગો, બીજા બોલે બે રન અને ત્રીજા બોલે ચોગ્ગો મારતા પંજાબને જીતવા માટે ત્રણ બોલમાં એક રન કરવાનો હતો ત્યારે તેનો વિજય નિશ્ચિત લાગી રહ્યો હતો.

આ સમયે તેને મેચમાં આ સ્થિતિએ પહોંચાડનારા ઓપનર મયંક અગ્રવાલ આઉટ થઈ ગયો હતો. તેના પછી છેલ્લા બોલમાં તેને એક જ રન જોઈતો હતો, પરંતુ સ્ટોઇનિસને મારવાના પ્રયાસમાં જોર્ડને રબાડાને કેચ આપી દીધો હતો. તેના પગલે મેચ સુપર ઓવરમાં ગઈ હતી.

 

આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે એક સમયે 55 રનમાં પાંચ અને 101 રનમાં છ વિકેટ ગુમાવ્યા પછી મેચ જીતવાની આશા જ ગુમાવી દીધી હતી, પરંતુ મયંક અગ્રવાલ છેક સુધી પીચ પર ઊભો રહ્યો હતો. તેણે 60 બોલમાં ચાર છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 89 રન કરીને પંજાબને અશક્ય લાગતા વિજય તરફ દોરી ગયો હતો.

તેના 89 બાદ કેએલ રાહુલના 21 અને ગોધમને 20 રનને બાદ કરતાં બાકીના બેટ્સમેનોને ડબલ ફિગરે પણ પહોંચવાના ફાંફા પડી ગયા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી રબાડા, આર અશ્વિન અને સ્ટોઇનિસે બે-બે વિકેટ ઝડપી હતી. દિલ્હી કેપિટલ્સ માટે મુશ્કેલ વાત તે હતી કે અશ્વિન પ્રથમ મેચમાં જ સારા બોલિંગ દેખાવ પછી પણ પોતાની જાતને ઇજા પહોંચાડી બેઠો હતો.

આ પહેલા દિલ્હી કેપિટલ્સે કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતીને તેને બેટિંગમાં ઉતારવાનો તેનો પ્રારંભ ઘણો ખરાબ રહ્યો હતો અને તેણે ફક્ત 13 રનના સમયગાળામાં ઓપનર શિખર ધવન અને પૃથ્વી શો તથા શિમરોન હેટમાયરને ગુમાવી દીધા હતા. આ સમયે લાગતુ હતું કે કિંગ્સ ઇલેવન પંજાબને ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સને બેટિંગમાં ઉતારવાનો નિર્ણય ફળ્યો છે.

 દિલ્હીએ ઓસ્ટ્રેલિયન પ્લેયર સ્ટોઇનિસના 21 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા અને એસએસઐયરના 32 બોલમાં 3 છગ્ગાની મદદથી 39 તથા રિષભ પંતના 29 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 31 રન દ્વારા 20 ઓવરમાં 8 વિકેટે 157 રન કર્યા હતા. એક સમયે તેણે 96 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ સ્ટોઇનિસની તોફાની બેટિંગ દિલ્હીને સન્માનજનક સ્કોર સુધી લઈ ગઈ હતી. તેણે આ સિવાય બોલિંગમાં પણ સારો દેખાવ કરતા છેલ્લી ઓવરમાં મયંક અગ્રવાલ અને જોર્ડનની વિકેટ ઝડપીને મેચ ટાઇ કરવામાં મદદ કરી હતી.

કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી મોહમ્મદ શમીએ જબરજસ્ત બોલિંગ કરતા ચાર ઓવરમાં 15 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી અને એસએસ કોટ્રેલે ચાર ઓવરમાં 24 રન આપી બે વિકેટ ઝડપી હતી. જ્યારે જોર્ડન ચાર ઓવરમાં 55 અને ગોધમ 4 ઓવરમાં 39 રન આપી ખર્ચાળ બોલર પુરવાર થયા હતા.

(9:23 am IST)