ખેલ-જગત
News of Sunday, 21st July 2019

ધોની નિવૃત્તિને લઇ પોતે નિર્ણય કરી શકે : પ્રસાદ

ધોની એક મહાન ખેલાડી છે : પ્રસાદનો અભિપ્રાય :રિષભ પંતને વધુને વધુ તક આપીને તૈયાર કરાશે : પ્રસાદ

મુંબઈ, તા. ૨૧ : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે આજે કહ્યું હતું કે, મહેન્દ્રસિંહ ધોની એક મહાન ખેલાડી છે અને નિવૃત્તિને લઇને તે પોતે નિર્ણય કરી શકે છે. પ્રસાદના નેતૃત્વમાં પસંદગી સમિતિની બેઠક આજે યોજવામાં આવી હતી જેમાં વિન્ડિઝના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરાઈ હતી. ટીમમાં રિષભ પંતને વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. ધોનીએ ટીમ ઇન્ડિયાએ પસંદગી કરવામાં આવે તેના એક દિવસ પહેલા જ પોતાને બે મહિના માટે ક્રિકેટથી અલગ કરી લેવાની જાહેરાત કરી હતી. ધોની આગામી બે મહિના સુધી પેરામિલેટ્રી ફોર્સની પોતાની રેજિમેન્ટ સાથે આ બે મહિનાનો સમય ગાળશે. ધોનીના સંદર્ભમાં પત્રકાર પરિષદમાં અનેક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આના જવાબમાં પ્રસાદે કહ્યું હતું કે, ધોની નિવૃત્તિને લઇને વધુ સારો નિર્ણય કરી શકે છે. વર્લ્ડકપ ૨૦૧૯ બાદથી જ ધોનીના નિવૃત્તિના સંદર્ભમાં જુદા જુદા અહેવાલો આવી રહ્યા હતા. ભારતીય ટીમમાં વેસ્ટઇન્ડિઝ પ્રવાસની શરૂઆત ત્રીજી ઓગસ્ટના દિવસે શરૂ થશે. પ્રસાદે કહ્યું હતું કે, ધોની આ સિરિઝ માટે ઉપલબ્ધ નથી પરંતુ વર્લ્ડકપ સુધી કેટલાક પ્લાન બનાવવામાં આવ્યા હતા. તેના ઉપર કામ કરવામાં આવ્યું હતું. આવી જ રીતે હવે પંતને વધુને વધુ તક આપવામાં આવનાર છે. પંત પોતાની પ્રતિભાને વધુ સારીરીતે આગળ લાવી શકે તે માટે આ પ્લાન ઉપર કામ થશે. આ પહેલા ધોનીએ કહ્યું હતું કે, વિન્ડિઝના પ્રવાસ માટે તે ઉપલબ્ધ રહેશે નહીં. આગામી બે મહિના સુધી પોતાની રેજિમેન્ટ સાથે સમય ગાળવા ઇચ્છુક છે. આજ કારણસર ધોનીના મામલે આજે કોઇ વિચારણા કરવામાં આવી ન હતી.

(7:56 pm IST)