ખેલ-જગત
News of Sunday, 21st July 2019

શાસ્ત્રી સહિત કોચિંગ સ્ટાફનો કોન્ટ્રાક્ટને હાલ વધારી દેવાયો

વિન્ડિઝ-આફ્રિકા સામે કોચિંગ સ્ટાફ યથાવત રહેશે : દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ ઘરઆંગણેની શ્રેણી બાદ નિર્ણય

મુંબઈ, તા. ૨૧ : વેસ્ટઇન્ડિઝના પ્રવાસ માટે આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. ખેલાડીઓની પસંદગીની સાથે સાથે કોચિંગ સ્ટાફને લઇને પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં હાર થઇ હોવા છતાં કોચિંગ સ્ટાફમાં હાલ કોઇ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં વર્તમાન કોચિંગ સ્ટાફને જાળવી રાખવાનો નિર્ણય લેવાયો છે. આગામી વેસ્ટઇન્ડિઝના પ્રવાસ અને ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે રમાનારી શ્રેણી સુધી કોચિંગ સ્ટાફનો કોન્ટ્રાક્ટ લંબાવી દેવામાં આવ્યો છે. આનો મતલબ એ થયો કે વર્લ્ડકપમાં રહેલા બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ સહિતના કોચની ભૂમિકા યથાવત રહેશે. રવિ શાસ્ત્રી મુખ્ય કોચ તરીકેની ભૂમિકામાં રહેશે. વર્લ્ડકપમાં હાર બાદ એવી ચર્ચા હતી કે, કોચિંગ સ્ટાફને પણ તરત બદલવામાં આવશે પરંતુ હાલમાં કોઇ ધરખમ ફેરફાર કર્યા વગર બે સિરિઝ માટે વર્તમાન ટીમને જાળવી રાખવાનો નિર્ણય કરાયો છે. જો કે, મોડેથી કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર કરવાને લઇને ટીમ ઇન્ડિયા દ્વારા સંકેત આપી દેવામાં આવ્યા છે. આના માટે શરતો જારી કરવામાં આવી ચુકી છે.

(7:55 pm IST)