ખેલ-જગત
News of Sunday, 21st July 2019

કપિલ દેવે ધોનીને કર્યો મેસેજ, નિવૃત્તિ ના લેતો, ટીમ ઇન્ડિયાને જરુર છે

મુંબઇ,તા.૨૧: ધોની ક્યારે નિવૃત્તિ લેશે? આ સવાલ હાલના દિવસોમાં ભારતીય મીડિયામાં છવાયેલો છે. જ્યારથી વર્લ્ડ કપ ખતમ થયો છે ત્યારથી ધોનીના નિવૃત્તિની વાતો થઈ રહી છે. જોકે ભારતને પ્રથમ વર્લ્ડ કપ અપાવનાર કેપ્ટન કપિલ દેવનો મત અલગ છે. કપિલના મતે ધોનીની અંદર હજુ ઘણું ક્રિકેટ બાકી છે અને તેણે હાલ નિવૃત્તિ લેવી જોઈએ નહીં, કારણ કે હજુ તેની ટીમ ઇન્ડિયાને જરુર છે.કપિલ દેવે બંગાળી અખબાર આજકલ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે તેણે ધોનીને નિવૃત્તિ ના લેવાની અપીલ કરી છે.

કપિલ દેવે ખુલાસો કર્યો છે કે ધોનીના નિવૃત્તિના સમાચાર વચ્ચે તેણે ધોનીને મોબાઈલ પર મેસેજ મોકલ્યો છે. કપિલે જણાવ્યું છે કે હું લંડનની એક હોટલમાં રોકાયો હતો. ત્યાં કોફી લાઉન્જમાં મેં પોતાના એક મિત્રને પૂછ્યું કે ધોનીનો કોઈ નંબર છે? હું ફોન કરીશ નહીં, પણ મેં મેસેજ મોકલ્યા હતા. તારે રિટાયર થવું જોઈએ નહીં. મગજને ગરમ થવા દઈશ નહીં. આ એક પૂર્વ ક્રિકેટર તરીકે સંદેશ છે. જ્યારે મને ૧૯૮૪-૮૫માં ઇડન ગાર્ડન્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે બહાર કરી દીધો હતો. તો હું પણ ગુસ્સામાં નિવૃત્તિ લેવા માંગતો હતો.

કપિલને પુછવામાં આવ્યું હતું કે સાંભળ્યું છે કે પસંદગીકારો ધોની સાથે વાત કરશે. આ સવાલ પર કપિલે કહ્યું હતું કે પ્રથમ ટેસ્ટ કે વન-ડે રમતા પહેલા ધોનીને પુછવામાં આવ્યું હતું કે તેને તક આપવામાં આવશે કે નહીં. તો હવે તેને કેમ પુછવું જોઈએ કે તુ ક્યારે રિટાયર થઈશ? આ એક વરિષ્ઠ ક્રિકેટર માટે શરમની વાત છે. હું અપમાન શબ્દનો ઉપયોગ કરી રહ્યો નથી પણ મારા માટે આ સ્વિકાર કરવું મુશ્કેલ છે. ધોની સાથે વાત કરવાનો અર્થ છે કે તેને પુછાશે કે તે ક્યારે જશે? મારો સવાલ એ છે કે ટીમ ઇન્ડિયા ફાઇનલમાં ના પહોંચી તેનું કારણ ફક્ત ધોની છે?

કપિલે આગળ કહ્યું હતું કે ધોનીએ જાતે જ ટેસ્ટ ક્રિકેટ છોડી દીધી હતી. જો તે હજુ વધારે ૧૦ ટેસ્ટ રમી શકતો હતો. પાંચ પસંદગીકાર ધોનીનું ભવિષ્ય નક્કી કરશે, તેને સ્વિકાર કરવામા આવી શકે નહીં. જ્યારે સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર જેવા ખેલાડી નિવૃત્ત થાય છે તો તે જ નક્કી કરે છે. હું ધોનીની વિનંતી કરીશ કે પાણી પીવો, ઠંડો રહે. એકલો વિચાર પછી નિર્ણય કરો.

(11:41 am IST)