ખેલ-જગત
News of Tuesday, 21st May 2019

વિશ્વકપ માટેની પાકિસ્‍તાની ૧પ સભ્યોની ટીમમાંથી હટાવ્યા બાદ પાકિસ્‍તાનના બોલર જુનૈદ ખાને મોઢા ઉપર કાળી ટેપ લગાવીને વિરોધ કર્યો

નવી દિલ્હીઃ વિશ્વ કપ માટે પાકિસ્તાનની 15 સભ્યોની ટીમમાંથી હટાવ્યા બાદ પાકિસ્તાનના ડાબા હાથનો ફાસ્ટ બોલર જુનૈદ ખાન પરેશાન છે. જુનૈદને પસંદગીકારોનો નિર્ણય પસંદ આવ્યો નથી. તેણે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસ્વીર પોસ્ટ કરી છે, જેમાં તેણે પોતાના મોઢા પર કાળી ટેપ લગાવી છે.

હકીકતમાં મુખ્ય પંસદગીકાર ઇંજમામ ઉલ હકે સોમવારે અંતિમ-15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ખેલાડીઓનું હાલનું પ્રદર્શન જોતા તેમાં ત્રણ ફેરફાર કર્યાં હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ આમીર અને વહાબ રિયાઝને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

18 એપ્રિલે જાહેર કરાયેલી 15 સભ્યોની પ્રારંભિક ટીમમાં પસંદગીકારોએ આબિદ અલી અને જુનૈદ ખાનની જગ્યાએ ક્રમશઃ આસિફ અલી અને મોહમ્મદ આમિરને સામેલ કર્યાં છે, જ્યારે વહાબ રિયાઝને ફહીમ અશરફની જગ્યાએ બોલાવવામાં આવ્યા છે. જુનૈદે પાકિસ્તાન તરફથી અત્યાર સુધી 76 વનડેમાં 110 વિકેટ ઝડપી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝમાં તેને બે વનડે રમવાની તક મળી, જેમાં તેણે બે વિકેટ ઝડપી હતી.

29 વર્ષના જુનૈદે પોતાના ટ્વીટર પર પોતાની તસ્વીર શેર કરી, જેમાં તેણે મોઢા પર કાળી ટેપ લગાવી રાખી છે. સાથે તેણે લખ્યું, 'હું કશું કહેવા ઈચ્છતો નથી.' સત્ય કડવું હોય છે. બાદમાં જુનૈદે ટ્વીટર પરથી પોસ્ટને હટાવી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.

મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકે કહ્યું કે, કેપ્ટન અને મુખ્ય કોચ સાથે ચર્ચા કર્યા બાદ ટીમ પસંદ કરવામાં આવી છે. વહાબે અંતિમ વનડે મેચ ભારત વિરુદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી હતી, જેમાં તેણે 87 રન આપ્યા હતા.

આમિરે છેલ્લા 14 વનડેમાં માત્ર 5 વિકેટ ઝડપી છે. વહાબ અને આમિર અફગાનિસ્તાન અને બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ માટે ઉપલબ્ધ રહેશે.

(4:44 pm IST)