ખેલ-જગત
News of Monday, 21st May 2018

22મી વખત એવરેસ્ટ પાર કર્યો નેપાળના શેરપાએ

નવી દિલ્હી: નેપાળના શેરપાએ ૨૨મી વખત દુનિયાના સર્વોચ્ચ શિખર એવરેસ્ટને સર કરીને અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. ૪૮ વર્ષના કામી રીતા શેરપાએ બુધવારે સવારે વિદેશી પર્વતારોહીઓ અને સાથી શેરપા ગાઈડ્સની સાથે એવરેસ્ટના શિખર પર ડગ માંડયા હતાતે આજે નેપાળના કાઠમાંડુ ખાતે પરત ફરતાં તેનું ભારે જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. અત્યાર સુધી સૌથી વધુ વખત એવરેસ્ટનું આરોહણ કરવાનો વર્લ્ડ રેકોર્ડ ત્રણ શેરપાના નામે સંયુક્તપણે હતો,જેમાં કામી રીતા ઉપરાંત આપા શેરપા અને ફુરબા તાશીનો સમાવેશ થાય છે. આપા શેરપા ૫૮ વર્ષના છે અને તેમણે ૨૦૧૧માં નિવૃત્તિ લઈ લીધી હતી. જ્યારે ફુરબા તાશી ૪૭ વર્ષના છે અને તેઓએ ૨૦૧૩થી એરવેસ્ટની ટોચ પર પહોંચવાનું માંડી વાળ્યું છે. તેઓ બેઝ કેમ્પમાં કામ કરી રહ્યા છે.કામી રીતા શેરપાએ હવે ૨૪મી વખત એરવરેસ્ટ સર કરવા તરફ મીટ માડી છે. તેનો પરિવાર વર્ષોથી પર્વતારોહણ સાથે જોડાયેલો રહ્યો છે. ..૧૯૫૦માં નેપાળે વિદેશી પર્વતારોહીઓ માટે દરવાજા ખોલ્યા ત્યારે શરૃઆતમાં ગાઈડના વ્યવસાયમાં ઝંપલાવનારાઓમાં કામી રીતા શેરપાના પિતા પણ હતા. કામી રીતાનો ભાઈ ૧૭ વખત એવરેસ્ટ પર પહોંચી ચૂક્યો છે. એવરેસ્ટને સૌથી વધુ વખત સર કરવાનો વિશ્વવિક્રમ ધરાવતા કામી રીતા શેરપાએ ૨૪ વર્ષની ઉંમરે પહેલી વખત એવરેસ્ટ સર કર્યો હતો અને ત્યાર બાદ લગભગ દરેક વર્ષે તેણે એવરેસ્ટની ટોચ પર પહોંચવામાં સફળતા મેળવી છે. તેણે એવરેસ્ટ ઉપરાંત કે-ટુ, ચો-ઓયુ, માનાસ્લુ અને લ્હોત્સે જેવા પર્વતોના શિખરો પણ સર કર્યા છે.

 

 

(3:40 pm IST)