ખેલ-જગત
News of Saturday, 21st April 2018

બોલ ટેમ્પરિંગના લીધે પ્રતિબંધિત વોર્નર 1 કરોડનું મકાન બનાવવામાં વ્યસ્ત

નવી દિલ્હી: બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ એક વર્ષનો પ્રતિબંધ ભોગવી રહેલો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર હાલમાં પોતાની જ પ્રોપર્ટીના ડેવલપમેન્ટમાં કન્સ્ટ્રક્શનનું કામ કરવામાં વ્યસ્ત બન્યો છે. વોર્નર સીડનીમાં આવેલા મારોઉબ્રામાં દરિયા કિનારે એક નવું ઘર બનાવી રહ્યો છે, જેની કિમંત આવનારા સમયમાં આશરે ૧ કરોડ ડોલરની હશે. ક્રિકેટના પ્રતિબંધને કારણે વોર્નર હાલ તેણે ક્રિકેટમાંથી કરેલી જંગી કમાણીના આયોજન તેમજ તેના અન્ય બિઝનેસ પર ધ્યાન આપી રહ્યો છે.  વોર્નરની પત્ની કેન્ડિસે તેના પતિનો કન્સ્ટ્રક્શન કામ કરતો વિડિયો સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર શેયર કર્યો છે. જેમાં વોર્નરે વ્હાઈટ કેપ પર બ્લેક માર્કરથી 'પ્રોજેક્ટ મેનેજર' અને 'એપ્રેન્ટીસ સેલિબ્રિટી' લખેલું છે. વોર્નર બીચની નજીક આવેલી પ્રોપર્ટીમાં કામ કરતો જોઈ શકાય છે. ધ ઓસ્ટ્રેલિયન અખબારના રિપોર્ટ અનુસાર વોર્નરની હાલમાં આશરે ૧ કરોડ ડોલરની પ્રોપર્ટી તૈયાર કરી રહ્યો છે. વોર્નર હાલ જ્યાં મકાન બનાવી રહ્યો છે તે પ્રોપર્ટી તેણે ડિસેમ્બર, ૨૦૧૫માં ૪૦ લાખ ડોલરમાં ખરીદી હતી. આ પછી તેણે જૂની પ્રોપર્ટીને તોડી નાંખીને ત્યાં પાંચ માળનું મકાન બનાવવા માટે આપેલી અરજીને ફેબુ્રઆરી, ૨૦૧૭માં મંજૂર કરવામાં આવી હતી. વોર્નર પરિવારની નજીકના સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટ જણાવે છે કે, તેઓ આ પ્રોપર્ટી પર પોતાના રહેવા માટે જ ઘર બનાવી રહ્યા છે. જોકે આ કન્સ્ટ્રક્શનનું કામ ખુબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જેના કારણે તેના પડોશીઓ પરેશાન થઈ ગયા છે. અગાઉ કેન્ડીસ વોર્નરે તેની બાળકીઓની તસવીર પણ સોશિયલ મીડિયા પર મુકી હતી, જેમાં તેઓ કન્સ્ટ્રક્શન સાઈટ પરની વ્હાઈટ હેલ્મેટમાં જોઈ શકાતી હતી.

(5:08 pm IST)