ખેલ-જગત
News of Thursday, 21st January 2021

ભારત આવી સીધો પિતાની કબર પર પહોંચ્યો મોહમ્મદ સિરાજ: ભાવુક થઈ આપી શ્રદ્ધાંજલિ

કોરોના પ્રોટોકોલને કારણે સિરાજ પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યો ન હતો

હૈદરાબાદ : ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચી ભારતીય ટીમમાં મહત્વનું યોગદાન આપનાર મોહમ્મદ સિરાજ હૈદરાબાદ પહોંચ્યો હતો. હૈદરાબાદ એરપોર્ટથી બહાર આવીને તે સીધા જ પોતાના પિતા મોહમ્મદ ગોસની કબર પર પહોંચ્યો અને ભાવુક થઈને પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. સિરાજના પિતાનું 20મી નવેમ્બરે નિધન થયું હતું. તે દરમિયાન સીરાજ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર હતો.
          કોરોના પ્રોટોકોલને કારણે સિરાજ પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયામાં સિરાજે જોરદાર પ્રદર્શન કરી પિતાના સપનાંને પૂરું કર્યું હતું. લગભગ 69 દિવસ પછી વતન પરત ફરેલા સિરાજ પોતાના પરિવારની સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન તેઓ ઘણાં જ ખુશ હતા. જ્યારે સિરાજના પિતાનું અવસાન થયું ત્યારે તેઓ ઓસ્ટ્રેલિયામાં હતા. સિરાજને બોર્ડે ભારતમાં પરત ફરવાનો વિકલ્પ આપ્યો હતો પરંતુ તેઓએ ભારતીય ટીમની સાથે રહેવાનું જ પસંદ કર્યું. ત્યારે સિરાજે BCCIને કહ્યું હતું કે, 'મારા પિતા મને સૌથી વધુ સપોર્ટ કરતા હતા. આ માટે ઘણી જ મોટી ક્ષતિ છે. તેમનું સપનું હતું કે હું ભારત માટે ટેસ્ટ રમું અને આપણાં દેશનું નામ રોશન કરું.' મોહમ્મદ સિરાજે પોતાની તમામ વિકેટ પિતાને અર્પણ કરી છે. સાથે જ કહ્યું કે મુશ્કેલ સમયમાં મારી ફિયાન્સીએ મને સતત પ્રોત્સાહન આપતી હતી.

(6:53 pm IST)