ખેલ-જગત
News of Friday, 8th November 2019

ડ્રેસિંગ રૂમમાં વિરાટ-પુજારા સાથે રહેવાથી મને ખૂબ જ ફાયદો થયો : શુભમન ગિલ

આફ્રિકામાં ઘણુ શીખવાનુ મળ્યુ, તમે સીનીયર ખેલાડીઓ સાથે રૂમ શેર કરો છો ત્યારે તમને જાણવા મળે કે મેચ પહેલા તેઓ કેવી તૈયારી કરે છે

મુંબઇ : યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગીલનું માનવું છે કે સિનિયર ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાથી તેમના જેવા યુવા ખેલાડીઓને ખૂબ જ ફાયદો થાય છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ૧૫ ખેલાડીઓમાં શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે તેને એક પણ ટેસ્ટમાં પ્લેઇન ઇલેવનમાં સ્થાન નહોતું મળ્યું. એક પણ ટેસ્ટમાં મોકો ન મળવા છતાં કેપ્ટન વિરાટ કોહલી, ચેતશ્વર પુજારા, અજિંકય રહાણે જેવા ખેલાડીઓ સાથે રહેવાથી ખુશ શુભમન ગીલે જણાવ્યું હતું કે મને આફ્રિકા સામેની સિરીઝમાં ખૂબ શીખવાનું મળ્યું. તમે જયારે સિનિયર ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરો છે ત્યારે જાણવા મળે છે કે મેચ પહેલાં તેઓ કેવી તૈયારી કરે છે. બેટિંગ કરવા જતી વખતે તેઓ કઈ રીતે એકાગ્રતા મેળવે છે, મેચની પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતે તેમને ઢાળે છે અને કેવી રીતે તેમની ઇનિંગ્સને આગળ વધારે છે.

શુભમન ગિલ ટીમ ઇન્ડિયા વતી બે વન-ડે રમી ચૂકયો છે અને આગામી બંગલા દેશ સામેની બે વન-ડે મેચની સિરીઝમાં પણ તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

(3:32 pm IST)