ખેલ-જગત
News of Wednesday, 15th May 2019

ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સમાં વિલિયમ્સન બહેનોની ટક્કર

નવી દિલ્હી: ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સમાં સમર્થકોને વિલિયમ્સન બહેનો સેરેના અને વિનસ વચ્ચે બુધવારે બીજા રાઉન્ડનો રોમાંચક મુકાબલો જોવા મળશે. ક્લે કોર્ટ પર રમાતી આ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં બંને બહેનોએ વિજયી શરૂઆત કરી હતી. ૨૩ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેનાએ સ્વિડનની રિબેકા પીટરસનને ૬-૪, ૬-૨થી હરાવી હતી. વિનસે બેલ્જિયમની એલિસ મર્ટેન્સને ત્રણ સેટ સુધી રમાયેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૭-૫, ૩-૬, ૭-૬ (૭-૪)થી હરાવી હતી.   વિમેન્સ સિંગલ્સના અન્ય મુકાબલામાં બ્રિટનની નંબર-૧ ખેલાડી યોહાના કોન્ટા બીજા રાઉન્ડમાં અમેરિકાની સ્લોએન સ્ટિફન્સ સામે ટકરાશે. ૪૨મી ક્રમાંકિત કોન્ટાએ પ્રથમ રાઉન્ડમાં એલિસન રિસ્કેને સીધા સેટમાં ૬-૪, ૬-૧થી પરાજય આપ્યો હતો. ૨૭ વર્ષીય કોન્ટાએ આ મુકાબલો જીતવા માટે માત્ર ૯૦ મિનિટનો સમય લીધો હતો. કોન્ટાએ અગાઉ બ્રિસબેન ખાતે પણ રિસ્કેને હરાવી હતી. કોન્ટાએ ક્લે કોર્ટ પર ચાલુ વર્ષે આ છઠ્ઠો વિજય મેળવ્યો છે.  ભૂતપૂર્વ ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન ગુર્બાઇન મુગુરુઝાએ ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમની તૈયારીને વધારે મજબૂત કરતાં ચીનની ઝેંગ સેઇ સેઇને સીધા સેટમાં હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. મુગુરુઝાએ ઝેંગને ૬-૩, ૬-૪થી, બે વખતની ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન વિક્ટોરિયા અઝારેન્કોએ ચીનની ઝાંગ શુઆઇને ૬-૨, ૬-૧થી, ચીનની ૧૫મી ક્રમાંકિત વાંગ કિયાંગે ચેક રિપબ્લિકની કેટરીના સિનિયાકોવાને ૧-૬, ૭-૫, ૬-૪થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.

(6:02 pm IST)