ખેલ-જગત
News of Thursday, 14th March 2019

ટેસ્‍ટ-ક્રિકેટને રોચક બનાવવા શોટ-ક્‍લોક અને ફ્રી હિટનો સમાવેશ કરવો જોઈએ

વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ માટે MCC કમિટીનાં રસપ્રદ સૂચનોઃ આ કમિટિમાં માઇક ગેટીંગ, સૌરવ ગાંગુલી જેવા અનુભવી ખેલાડી ખેલાડીઓ છે : નવો બેટ્‍સમેન સ્‍ટ્રાઇક ઉપર જલદી આવે એ માટે સ્‍કોર બોર્ડ પર ૬૦ સેકન્‍ડનું અને બોલરની બદલી માટે ૮૦ સેકન્‍ડનું કાઉન્‍ટડાઉન શરૂ કરવું. જો ક્‍લોક ઝીરો પર પહોંચે તો પહેલાં વોર્નિંગ અને પછી હરીફ ટીમને પાંચ પેનલ્‍ટીના આપવા

ટેસ્‍ટ-ક્રિકેટનાં ૧૪૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત જુલાઈમાં શરૂ થનારી વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ટેસ્‍ટ-મેચોને રોમાંચક બનાવવા MCCની વર્લ્‍ડ ક્રિકેટ કમિટીએ રસપ્રદ સૂચનો આપ્‍યાં છે. સમય બચાવવા શોટ-ક્‍લોક, સ્‍ટાન્‍ડર્ડ બોલ અને નો બોલમાં ફ્રી હિટ રાખવાની સલાહ આપી છે. આ કમિટીમાં ઇંગ્‍લેન્‍ડના ભૂતપૂર્વ કેપ્‍ટન માઇક ગેટિંગ અને ભારતના ભૂતપૂર્વ કેપ્‍ટન સૌરવ ગાંગુલી સહિત ઘણા જાણીતા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

 સ્‍લો ઓવર-રેટ એ આજે દરેક ટેસ્‍ટની સામાન્‍ય સમસ્‍યા બનતી જાય છે એને કારણે ઘણો સમય બગડે છે. શોટ-ક્‍લોકથી સમય બચશે. MCCની વેબસાઇટમાં કહેવામાં આવ્‍યું હતું કે ‘ઇંગ્‍લેન્‍ડ, ઓસ્‍ટ્રેલિયા, ન્‍યુ ઝીલેન્‍ડ અને સાઉથ આફ્રિકાના ૨૫ ટકા ક્રિકેટપ્રેમીઓ સ્‍લો ઓવર-રેટને કારણે ટેસ્‍ટ-મેચ જોવાનું ટાળે છે. આ દેશોમાં સ્‍પિનરો કરતાં પેસ બોલરો વધુ ઓવરો ફેંકતા હોય છે એને કારણે આખા દિવસમાં એક્‍સ્‍ટ્રા ૩૦ મિનિટ પછી પણ પૂરી ૯૦ ઓવર ફેંકી શકાતી નથી.

 નવો બેટ્‍સમેન સ્‍ટ્રાઇક પર જલદી આવે એ માટે સ્‍કોર બોર્ડ પર ૬૦ સેકન્‍ડનું અને બોલરની બદલી માટે ૮૦ સેકન્‍ડનું કાઉન્‍ટડાઉન શરૂ કરવું. જો ક્‍લોક ઝીરો પર પહોંચે તો પહેલાં વોર્નિંગ અને પછી હરીફ ટીમને પાંચ પેનલ્‍ટી રન આપવા. એવી જ રીતે, વિકેટ પડે ત્‍યારે પિચ અને ડ્રેસિંગ રૂમના ડિસ્‍ટન્‍સ પ્રમાણે કાઉન્‍ટડાઉન ટાઇમર વાપરી શકાય અને આ ટાઇમરને કારણે ડ્રિન્‍ક્‍સ-બ્રેક પછી બેટ્‍સમેનો અને ફીલ્‍ડરો ટાઇમર ઝીરો પર પહોંચે એ પહેલાં ક્રીઝ પર પહોંચી શકશે. ડિસિઝન રિવ્‍યુ સિસ્‍ટમમાં પણ આ ટાઇમરનો ઉપયોગ કરીને સમય બચાવી શકાય.

 ભારતમાં એસજી, ઇંગ્‍લેન્‍ડ અને વેસ્‍ટ ઇન્‍ડીઝમાં ડ્‍યુક્‍સ, ઓસ્‍ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં કુકાબુરા બોલથી મેચો રમાય છે. હાલમાં ઘણા ખેલાડીઓ બોલ બાબતે પોતાનાં મંતવ્‍યો રજૂ કરી ચૂક્‍યાં છે. વિરાટ કોહલી અને રવીચન્‍દ્રન અશ્વિન રેડ ડ્‍યુક્‍સ બોલ વાપરવા માટે પોતાની મંજૂરી આપી ચૂક્‍યા છે.

 લિમિટેડ ઓવરમાં ક્રિકેટમાં લોકપ્રિય થયેલી ફ્રી હિટને ટેસ્‍ટ-મેચમાં લાગુ કરવી જોઈએ. દાખલા તરીકે હાલમાં ઇંગ્‍લેન્‍ડે લાગલગાટ ૪૫ વન-ડેમાં એકેય નો બોલ નહોતો ફેંક્‍યો. જોકે વેસ્‍ટ ઇન્‍ડીઝ સામેની ૩ ટેસ્‍ટ-સિરીઝમાં ૧૧ નો બોલ ફેંક્‍યા હતા. ફ્રી હિટને કારણે પ્રેક્ષકોને મજા આવશે અને ઓછા નો બોલને કારણે ઓવર-રેટ કાબૂમાં રહેશે.

(4:44 pm IST)