ખેલ-જગત
News of Friday, 11th January 2019

રાહુલ - હાર્દિકના વિવાદથી એક દિવસ પહેલા ટીમની જાહેરાત કરી નથી : કોહલી

સિડનીમાં કાલે ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે : ટીમ ઈન્ડિયા જીતના ઈરાદે મેદાનમાં ઉતરશે

સિડની,તા.૧૧ : ટેસ્ટમેચની શ્રેણીમાં ૨-૧થી ઐતિહાસિક વિજય મેળવનારી ટીમ ઈન્ડિયા આવતીકાલે સિડની ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડે મેચની શ્રેણીની પ્રથમ મેચમાં જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.જોકે નિયમાનુસાર એક દિવસ પહેલા જે તે ટીમની જાહેરાત કરવાની હોય છે. પરંતુ હાલ કે એલ રાહુલ અને હાર્દિક પંડયાની વિવાદાસ્પદ કોમેન્ટ બહાર આવતા તેને ધ્યાનમાં લઈને ભારતીય ટીમની જાહેરાત થઈ નથી તેમ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ.

 ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચની શ્રેણીમાં વિજય મેળવનારી ભારતીય ટીમ હાલ ભારે ઉત્સાહમાં જણાઈ રહી છે.ત્યારે આવતીકાલે રમાનારી પ્રથમ વનડે અંગે કોહલીએ જણાવ્યુ હતુ કે હાલ અમારુ ધ્યાન વર્લ્ડકપની તૈયારીઓ પર છે અને અમે સારી રીતે જાણીએ છીએ કે અમારે આ સ્પર્ધામા એક સારી ટીમ તરીકે કેવી રીતે જવાનું છે. આ વર્ષે મેના અંતમાં આઈસીસી વર્લ્ડકપનો ઈંગ્લેન્ડમા આરંભ થવાનો છે.અને હવે ભારત ત્યાં સુધીમાં એકપણ ટેસ્ટમેચ રમવાનુુ નથી. અને વર્લ્ડકપ શરૂ થાય ત્યાં સુધીમાં ભારતને માત્ર ૧૩ વનડે જ રમવાની હોવાથી અમે આવી મેચ માટેની તૈયારી કરી રહ્યા છીએ.

વિરાટે રાહુલ અને હાર્દિક પંડયાના વિવાદ અંગે જણાવ્યુ હતુ કે અમે ભારતીય ક્રિકેટ ટીમ તરીકે અને જવાબદાર ક્રિકેટર  તરીકે તેમના એવા વિચારો સાથે સહમત નથી. આ મામલો તેમના વ્યકિતગત વિચારનો છે.કોહલીએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે  આવા વિવાદથી ટીમના અન્ય ખેલાડીઓના આત્મવિશ્વાસ પર કોઈ અસર નહિ પડે.તેમ છતાં રાહુલ અને હાર્દિકના વિવાદથી એક દિવસ પહેલા ટીમની જાહેરાત થઈ શકી નથી. ટીમ ઈન્ડિયાનીે સંભવિત ટીમમાં કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(વા.કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની(વિકેટકિપર), હાર્દિક પંડયા, કુલદીપ યાદવ, યજુવેન્દ્ ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહેમદ અથવા મહંમદ શમીમાંથી કોઈ એકની પસંદગી થાય તેવી સંભાવના છે.

(3:20 pm IST)