ખેલ-જગત
News of Wednesday, 16th May 2018

ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે કોહલીને પ્રેમ જ તેને કાઉન્ટી ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપે છે: ડેવિડ ગોવર

નવી દિલ્હી: ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસ અગાઉ કાઉન્ટી ક્રિકેટમાં સરે તરફથી રમવાનો નિર્ણય લીધો છે. કોહલીના આ નિર્ણયને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ડેવિડ ગોવરે આવકાર્યો છે. ક્રિકેટ જગતમાં એક સમયના ક્લાસિક બેટસમેન તરીકેની ઓળખ ધરાવતા ડેવિડ ગોવરે કહ્યું છે કે, કાઉન્ટી ક્રિકેટમાં કોહલીએ જે પ્રકારે રમવાની તૈયારી બતાવી છે તે તેનો ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનો ભારોભાર આદર દર્શાવે છે. કોહલીના આ નિર્ણયથી ભારતીય કેપ્ટનની સાથે સાથે ઈંગ્લેન્ડની સરે કાઉન્ટીને પણ ફાયદો થશે. ઈંગ્લેન્ડની ભૂમિ પર ટેસ્ટ ક્રિકેટમાં કોહલીનો દેખાવ કંગાળ રહ્યો છે. કોહલીએ ઈંગ્લેન્ડની ભૂમિ પર પાંચ ટેસ્ટમાં ૧૩.૪૦ની સરેરાશથી ૧૩૪ રન કર્યા છે. ભારતને હવે ઈંગ્લેન્ડ પ્રવાસે જવાનું છે, ત્યારે કેપ્ટન કોહલી તેનો રેકોર્ડ સુધારવા માટે પ્રયાસ કરશે. એક મીડિયા સાથેની વાતચીતમાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ડેવિડ ગોવરે કહ્યું કે, ટ્વેન્ટી-૨૦ના ફ્રેન્ચાઈઝી ક્રિકેટના યુગમાં કોહલી જેવો ટોચનો ખેલાડી તેના ટેસ્ટના દેખાવને આટલું મહત્વ આપે તે ખરેખર આવકારદાયક કહેવાય. ઈંગ્લેન્ડના કાઉન્ટી ક્રિકેટને કોહલીની હાજરીથી ફાયદો થશે. તેની સાથે સાથે કોહલીને પણ ઈંગ્લેન્ડની પરિસ્થિતિનો અભ્યાસ થશે. ડેવિડ ગોવર ઈંગ્લેન્ડ તરફથી ૧૧૭ ટેસ્ટ અને ૧૧૪ વન ડે રમી ચૂક્યા છે.

 

(3:52 pm IST)