ખેલ-જગત
News of Saturday, 20th October 2018

ભારત-વિન્ડીઝ વચ્ચે પ્રથમ વન-ડે મેચ માટે તખ્તો તૈયાર

ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી લીધા બાદ ટીમ ઈન્ડિયા જોરદાર દેખાવ કરવા તૈયાર : પાંચ મેચોની શ્રેણીને લઈને રોમાંચ

ગુવાહાટી,તા. ૨૦ : જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલથી પાંચ વનડે મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે ગુવાહાટી ખાતે રમાનાર છે. ડે નાઇટ મેચને લઇને કરોડો ચાહકો રોમાંચિત છે. હાલમાં જ રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયા જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. વિન્ડીઝ લડાયક દેખાવ કરવાના મુડમાં દેખાઇ રહી છે.શ્રેણીમાં અનેક નવા રેકોર્ડ ભારતીય ખેલાડીઓ કરનાર છે.પ્રથમ ક્રમાંકિત ખેલાડી વિરાટ કોહલીને વન ડે ક્રિકેટમાં દસ હજાર રન પૂર્ણ કરવાની તક રહેલી છે.

કોહલીએ હજુ સુધી ૨૧૧ વનડે મેચોમાં ૫૮.૨૦ રનની સરેરાશ સાથે ૯૭૭૯ રન કર્યા છે. તેને ૧૦ હજાર રનની સિદ્ધી સુધી પહોંચવા માટે માત્ર ૨૨૧ રનની જરૂર છે. તે પાંચ વનડે મેચોની શ્રેણીમાં આ સિદ્ધી હાંસલ કરે તેવી શક્યતા છે. વિરાટ કોહલી હાલમાં જે રીતે ફોર્મમાં ચાલી રહ્યો છે. તે જોતા તેના માટે આ કામ બિલકુલ મુશ્કેલ દેખાઇ રહ્યો નથી.

વિરાટ કોહલી હજુ સુધી આ રનમાં ૩૫ સદી અને ૪૮ અડધી સદી કરી ચુક્યો છે. તેની પાસે અડધી સદીની અડધી સદી બનાવવા માટેની પણ તક રહેલી છે. વિરાટ કોહલી હાલમાં વનડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ૧૩માં સ્થાને છે.

મહેન્દ્ર સિંહ ધોની પણ વનડે ક્રિકેટમાં ૧૦૧૨૩ રન કરી ચુક્યો છે.શિખર ધવનને પણ પાંચ હજાર રન પૂર્ણ કરવાની તક રહેલી છે. શિખર ધવન હજુ સુધી ૧૧૦ મેચોમાં ૪૮૨૩ રન કરી ચુક્યો છે. રવિન્દ્ર જાડેજાને પણ નવી સિદ્ધી હાંસલ કરવાની તક રહેલી  છે. રોહિત શર્માને હજુ પણ કેટલાક રેકોર્ડ કરવાની તક રહેલી છે. છગ્ગા મારવાના મામલે તે હવે ગાંગુલ અને સચિન તેન્ડુલકરને પાછળ છોડી શકે છે.

રોહિત શર્માએ હજુ સુધી વનડે ક્રિકેટમાં ૧૮૮ મેચોમાં ૧૮૬ છગ્ગા લગાવ્યા છે. સચિન તેન્ડુલકરના ૧૯૫ અને સૌરવ ગાંગુલીના ૧૯૦ છગ્ગા ફટકારી દેવાના રેકોર્ડને તે વર્તમાન વેસ્ટ ઇન્ડિઝની સામેની શ્રેણીમાં તોડી શકે છે. તે હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. રોહિત શર્મા વનડે સ્પેશિયલ બેટ્સમેન તરીકે ગણવામાં આવે છે.(૩૭.૧૧)

પ્રથમ વન-ડે માટે ટીમ જાહેર

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, અમ્બાતી રાયડુ, રિષભ પંત, એમ. એસ. ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, સૈયદ ખલીલ અહેમદ.(૩૭.૧૧)

(3:55 pm IST)