૧૩ વખતની ચેમ્પિયન ટીમ રિયલ મેડ્રિડને પ્રથમ રાઉન્ડમાં બહાર
નવી દિલ્હી: ચેમ્પિયન્સ લીગ ફૂટબોલના ગ્રૂપ-એમાં પેરિસ સેન્ટ જર્મેન ક્લબે (પીએસજી) ૩-૦થી વિજય મેળવતા ૧૩ વખતની ચેમ્પિયન ટીમ રિયલ મેડ્રિડને પ્રથમ રાઉન્ડમાં જ પરાજયનો સામનો કરવો પડયો હતો. પીએસજી તરફથી અનુભવી ખેલાડી એન્જલ ડી મારિયોએ બે તથા થોમસ મ્યુનિયરે એક ગોલ નોંધાવ્યો હતો. બીજી તરફ સ્પેનની જ અન્ય ક્લબ એટ્લેટિકો મેડ્રિડે એક સમયે ૦-૨થી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને ઇટાલિયન ક્લબ જુવેન્ટ્સ સામેનો મુકાબલો ૨-૨થી ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જુવેન્ટ્સ માટે આ મેચમાં એક પણ ગોલ નોંધાવી શક્યો નહોતો. પેરિસ સેન્ટ જર્મેન સામેની મેચમાં રિયલ મેડ્રિડનો એક પણ ખેલાડી ગોલપોસ્ટ ઉપર શોટ મારી શક્યો નહોતો. ૨૦૦૩-૦૪ બાદ રિયલ મેડ્રિડ પ્રથમ વખત ચેમ્પિયન્સ લીગના પ્રથમ મુકાબલામાં હારી છે. આ દરમિયાન તેણે ૧૬૭ મેચ રમી હતી. પીએસજી ક્લબે સ્ટાર ખેલાડી નેમાર તથા કિલિયન એમ્બાપ્પે વિના જ વિજય હાંસલ કર્યો હતો. આ બંને ખેલાડીઓ ઈજાના કારણે પ્રારંભિક મુકાબલામાં રમી શક્યા નહોતા. એન્જલ ડી મારિયા ચાર વર્ષ રિયલ મેડ્રિડ માટે રમી ચૂક્યો છે અને તે ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી ટીમનો સભ્ય પણ હતો. ગ્રૂપ-ડીમાં એટ્લેટિકોના હોમગ્રાઉન્ડમાં રમાયેલા મુકાબલામાં જુવેન્ટ્સે ૪૮મી મિનિટે ગોલ કરીને ૧-૦ની લીડ મેળવી હતી. ત્યારબાદ ૬૫મી મિનિટે બ્લેસ મતુઇદીના બીજા ગોલના કારણે ટીમ ૨-૦થી આગળ થઈ ગઈ હતી. એક સમયે જુવેન્ટ્સની ટીમ મુકાબલાને આસાનીથી જીતી લેશે તેમ લાગતું હતું પરંતુ એટ્લેટિકોએ ૭૦મી મિનિટે સ્ટેફન સેવિચે નોંધાવેલા ગોલની મદદથી વળતો પ્રહાર કરીને સ્કોર ૨-૧નો કર્યો હતો. ત્યારબાદ નિર્ધારિત સમયની છેલ્લી મિનિટે હેક્ટર હેરેરાએ ટીમ માટે બીજો ગોલ કરતાં મુકાબલો ૨-૨થી ડ્રો રહ્યો હતો